મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

દિલ્હી-NCRમાં વરસાદ જ્યારે હિમાચલ, કાશ્મીરમાં હિમવર્ષા

દેશના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ બદલાતા મુશ્કેલી : હિમાચલપ્રદેશ તેમજ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમ વર્ષાથી ચારેબાજુ બરફની ચાદર છવાઈ : તીવ્ર ઠંડીનું મોજુ : ટ્રેન-વિમાની સેવા ઠપ

નવી દિલ્હી, તા.૨૧ : દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, વરસાદ અને વાવાઝોડાના પરિણામ સ્વરૂપે જનજીવન ખોરવાઈ ગયું છે. એકબાજુ દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વરસાદ થયો છે. જ્યારે હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા જનજીવન ઠપ થઈ ગયું છે. મેદાની ભાગોમાં પણ પારો ખૂબ નીચે પહોંચી ગયો છે. પંજાબના ગુરૂદાસપુરમાં ૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના પાટનગરને લઈને તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. અહીં સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધાયું છે. પંજાબના અમૃતસર, લુધિયાણા અને પટીયાલામાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ પઠાણકોટ, આદમપુર સહિતના વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં વધારો પણ થયો છે. પંજાબ અને હરિયાણામાં વ્યાપક વરસાદ થયો છે. ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં આજે સાંજે હિમવર્ષા, વરસાદ અને તોફાનનું વાતાવરણ રહ્યું હતું. આગ્રા, મથુરા, બુલંદશહેરમાં વરસાદ થયો હતો. દિલ્હી એનસીઆરમાં વરસાદ અને બીજી બાજુ હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. ખરાબ હવામાન અને ધુમ્મસના પરિણામ સ્વરૂપે જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે. ખરાબ હવામાનના લીધે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર ફ્લાઈટો રદ કરાઈ છે. ૧૧ ફ્લાઈટોમાં વિલંબ થયો છે. ખરાબ હવામાનના લીધે ૨૭ ફ્લાઈટો પૈકી ચાર રદ કરવામાં આવી છે. અન્ય ૧૧ ફ્લાઈટોમાં વિલંબ થયો છે.

હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી ભારે હિમવર્ષા થઈ છે. તમામ જગ્યાઓએ માઈનસમાં તાપમાન પહોંચી ગયું છે. કાલપા, કેલોંગ, લાહોલ, સ્પિતીમાં હિમવર્ષા થઈ છે. કેલોંગમાં માઈનસ ૩.૨ ડિગ્રી તાપમાન થયું છે. કાલપામાં ૧.૨, મનાલીમાં માઈનસ ૧.૬ તાપમાન રહ્યું છે. મનાલીમાં વરસાદની સાથે સાથે હિમવર્ષા થઈ છે. ચારે બાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. મનાલીથી આગળ જતા રસ્તા ઉપર બરફની ચાદર છવાઈ ગઈ છે. લાહોલ અને સ્પિતી, કુલુ, સિમલા, ચંબામાં હિમવર્ષા થઈ છે. આગામી બે દિવસ દરમિયાન પણ હિમવર્ષા જારી રહી શકે છે. લોકો અને પ્રવાસીઓને ઉંચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. સિમલા, નારકંડા, દલહોજીમાં પણ મધ્યથી ભારે હિમવર્ષા થઈ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે સાથે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારો હિમવર્ષાના કારણે ઠંડાગાર થયા છે.

લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી જતા પાણીના સોર્સ બરફમાં ફેરવાઈ ગયા છે. ઠંડીથી બચવા માટેના દરેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(8:38 am IST)