મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

શિકાગોની ભારતીય કોન્સ્યુલેટમાં ૭૦મા પ્રજાસત્તાક દિનની થનારી ઉજવણીઃ જાહેર જનતાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોન્સ્યુલેટના સત્તાવાળાઓની આગ્રહભરી વિનંતીઃ ૨૬મી તારીખના શનીવારે કોન્સ્યુલેટમાં કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગોના ડાઉનટાઉન વિસ્તારમાં ભારતીય કોન્સ્યુલેટની ઓફિસ આવેલી છે અને તેમાં ભારતના ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી જાન્યુઆરી માસની ૨૬મી તારીખને શનીવારે કરવામાં આવશે.

આ પ્રસંગે ભારતીય કોન્સ્યુલેટની ઓફિસમાં ૨૬મી જાન્યુઆરેએ સવારે ૧૦ કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિએ ભારતના પ્રજાજોગ આ પ્રસંગે જે સંદેશો વ્યકત કર્યો હતો તેનું કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણ વાંચન કરશે અને ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે તેમજ આ પ્રસંગે દેશભકિતના ગીતો પણ રજુ કરવામાં આવશે.

શિકાગો અને તેના પરા વિસ્તારમાં વસવાટ કરતા ભારતીય સમાજના તમામ ભાઇ-બહેનોને આ પ્રસંગે પધારવા કોન્સ્યુલેટના સત્તાવાળાઓએ આગ્રહભરી વિનંતી કરેલ છે. ભારતના ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં શિકાગોમાં ભારતીય સમાજના જે સંગઠનો કાર્ય કરી રહેલ છે તેનો સહયોગ પ્રાપ્ત થયેલ છે તો તમામ લોકોને સમયસર પધારવા આગ્રહભરી વિનંતી છે.

(6:28 pm IST)