મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

મહિલાઓ અને દિવ્યાંગો સહિતના નિરાશ્રીત લોકોને ઉત્તરપ્રદેશમાં ૪૦૦ ને બદલે પ૦૦ રૂપિયા પેન્શન અપાશેઃ સીઅેમ યોગી આદિત્યનાથની જાહેરાત

લખનઉ : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં સાધુ સંતોને પેંશન આપવાનાં સમાચારો વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે રાજ્યનાં તમામ નિરાશ્રિત લોકોને પેંશન આપવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, તમામ નિરાશ્રિત લોકો (મહિલા અને દિવ્યાંગ પણ)ને હવે 400ના બદલે 500 રૂપિયા પેંશન આપવામાં આવશે. તેના માટે પ્રદેશમાં 30 જાન્યુઆરી સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, પ્રદેશ સરકારનાં નિર્ણય લીધો ચે કે દરેક નિરાશ્રિત મહિલા, પુરૂષ અને દિવ્યાંગને 500 રૂપિયા પેંશન આપવામાં આવશે. પ્રદેશ સરકાર તમામ નિરાશ્રિતોને ભેદભાવ વગર તેમની પાત્રતા અનુસાર પેંશન આપશે. આજથી માંડીને 30 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં આપણે વિશેષ કેમ્પ આયોજીત કરવા જઇ રહ્યા છે. અમારો પ્રયાસ છે કે તેમાં કોઇ પણ નિરાશ્રિત રહી ન જાય. આ દિશામાં કોર્ટે પણ સમયાંતરે અમારૂ ધ્યાન દોર્યું છે.

તેમની સરકાર વૃદ્ધાવસ્થા પેંશન, નિરાશ્રિત પેંશન અને દિવ્યાંગ જન પેંશન આપી રહી છે. બીજી તરફ યોગી સરકારની જાહેરાત બાદ સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે પણ વ્યંગ કર્યો હતો. અખિલેશે કહ્યું કે, યોગી સરકાર સાધુ સંતોને પણ પેંશન આપે. તેમણે કહ્યું કે, અમે તો રામલીલાના પાત્રોને પણ પેંશન આપવાની સ્કીમ ચાલુ કરી હતી. સીએમ યોગી પણ રામ અને સીતાને પેંશન આપે અને રામ-સીતામાંથી બચે તો રાવણને પણ પેંશ ચુકવે.

અખિલેશે કહ્યું કે, કુંભને દાનનું પર્વ માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે પ્રયાગરાજનો અકબર કિલ્લો યુપી સરકારને દાન આપી દેવો જોઇએ જેથી સરસ્વતી કુંભ લોકો માટે હંમેશા ખુલ્લી જાય. સેનાને જગ્યા જોઇતી હોય તો તેને ચંબલમાં ખાલી પડેલી જગ્યામાં મોકલી આપો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની યોગી સરકાર પહેલી વાર પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભમાં કેબિનેટ બેઠક પણ યોજવા જઇ રહી છે. આ બેઠક 29 જાન્યુઆરી અથવા 4 ફેબ્રુઆરીએ યોજાય તેવી શક્યતા છે.

(12:00 am IST)