મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

તેલંગાણામાં પણ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતઃ કેટલીક રેસિડેન્શિયલ સ્કૂલોમાં સ્ટૂડન્ટ્સ પોતાના જુનિયરોને શિક્ષકોની દેખરેખ હેઠળ ભણાવે તેવી રાજ્ય સરકારની ઇચ્‍છા

હૈદરાબાદ: તેલંગાણામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા રાજ્ય સરકાર ઇચ્‍છે છે કે કેટલીક રેસિડેન્શિયલ સ્કૂલોમાં સ્ટૂડન્ટ્સ પોતાના જુનિયરોને શિક્ષકોની દેખરેખ હેઠળ ભણાવે.

સરકારે આ નિર્ણય લાગુ કરતા પહેલા બે રેસિડેન્શિયલ સ્કૂલોમાં તેનો પ્રયોગ શરુ કર્યો છે. જેમાં ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ પોતાના જુનિયરોને ભણાવશે. જેમકે, છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી પાંચમા ધોરણના સ્ટૂડન્ટ્સને ભણાવશે. આ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે મળી પરીક્ષાનું પેપર પણ કાઢશે. સરકારે તેમને ‘ગ્રીન ગુરુ’ નામ આપ્યું છે.

10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા હોવાના કારણે આ યોજનામાં માત્ર નવ ધોરણ સુધીનો જ સમાવેશ કરાયો છે. નવમા ધોરણના સ્ટૂડન્ટ્સ આઠમા ધોરણના સ્ટૂડન્ટ્સને ભણાવશે. જોકે, નવમાના સ્ટૂડન્ટ્સને ભણાવવા દસમાના સ્ટૂડન્ટ્સ નહીં આવે. આ પ્રયોગને ‘ફ્રીડમ સ્કૂલ’ નામ અપાયું છે, અને તેલંગાણા સોશિયલ વેલ્ફેર રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ સોસાયટી દ્વારા ચલાવાતી સ્કૂલોમાં તેનો અમલ કરાશે.

સંસ્થાના સચિવ આરએસ પરવીન કુમારે જણાવ્યું હતું કે, 2019-20ના શૈક્ષણિક વર્ષથી સંસ્થાની સ્કૂલોમાં આ પ્રયોગ શરુ કરાશે. મોટાભાગની સ્કૂલોમાં ટીચર્સ સ્ટૂડન્ટ્સને ભણાવવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતા હોય છે. તેનાથી વિદ્યાર્થી અને સ્ટૂડન્ટ્સનું વિશાળ સંયોજન થશે.

જે સ્ટૂ઼ડન્ટ્સ પોતાના જુનિયરોને ભણાવશે, તેમને સરકાર 3500 રુપિયાનું ઈન્સેન્ટિવ પણ આપશે. શરુઆતમાં 320 સ્ટૂડન્ટ્સને આ પ્રોજેક્ટમાં આવરી લેવાશે, જેમાં નવ શિક્ષકો અને એક પ્રિન્સિપાલને પણ સમાવિષ્ટ કરાશે. ભણાવવા માટે કયા સ્ટૂડન્ટ્સને મોકલવા તે તેમના પરિણામના આધારે નક્કી કરવામાં આવશે. દરેક સ્ટૂડન્ટને દર મહિને એક સપ્તાહની ટ્રેનિંગ પણ અપાશે.

(12:00 am IST)