મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારોઃ અમદાવાદમાં પેટ્રોલમાં ૧૯ પૈસા જ્યારે ડીઝલમાં ૨૭ પૈસાનો પ્રતિ લીટર ભાવવધારો

નવી દિલ્હી: આજે ફરી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થતા રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 19 પૈસા અને ડીઝલ 26 પૈસા મોંઘુ થઈ ગયું. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો કરાયો છે. કોલકાતામાં પેટ્રોલ 18 પૈસા અને ડીઝલ 26 પૈસા મોંઘું થઈ ગયું છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 27 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલમાં 19 પૈસાનો અને ડીઝલમાં 27 પેસાનો પ્રતિ લિટરે વધારો થયો છે.

દિલ્હીમાં પેટ્રોલ 71 રૂપિયાને પાર કરી ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત 71.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તો કોલકાતામાં પેટ્રોલની કિંમત 73.23 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં ક્રમશઃ 76.77 રૂપિયા અને 73.85 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ચારે મહાનગરમાં ડીઝલની કિંમતો નવા વધારા બાદ ક્રમશઃ 65.71 રૂપિયા, 67.49 રૂપિયા, 68.81 રૂપિયા અને 69.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

અમદાવાદમાં 19 પૈસાના વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 68.58 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 27 પૈસાના વધારા સાથે 68.67 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. રાજકોટમાં પેટ્રોલ 68.38 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 68.49 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે સુરતમાં પેટ્રોલ 68.37 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 68.40 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

ડીઝલની કિંમતોમાં સતત 12 દિવસે વધારો થયો છે. આ પહેલા છેલ્લે 9 જાન્યુઆરીએ દિલ્હીમાં ડીઝલનો ભાવ 62.24 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર રહ્યો હતો. એ દ્રષ્ટિએ 12 દિવસમાં ડીઝલ 3.47 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. છેલ્લે ડીઝલની કિંમતોમાં 6 જાન્યુઆરી 2019એ 8 પૈસાનો ઘટાડો થયો હતો.

બજારના જાણકારોનું કહેવું છે કે, આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીનું વલણ જળવાયેલું છે. એ કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. જાણકારો મુજબ, તેને કારણે મોંઘવારી દૂર થવાની હાલ કોઈ શક્યતા દેખાતી નથી.

(12:00 am IST)