મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

બિહારમાં વરરાજા બનેલો પોલીસકર્મી પોતાના જ લગ્નમાં ટલ્લી થઇને આવ્યોઃ દુલ્હને પરણવાને બદલે મંડપમાંથી જ તગેડી મૂક્યો

ભાગલપુર: બિહારમાં દારૂ પીને આવેલા વરરાજાને નવવધુઅે પરણવાને બદલે ‌મંડપમાંથી તગેડી મુકતા ભારે ચર્ચા જાગી છે. આ વરરાજો પોલીસકર્મી હોવાનું ખુલ્યુ છે.

દારુ પીને આવેલા જાનૈયાઓએ દુલ્હનના સંબંધીઓ સાથે મારામારી પણ કરી હતી. જેનાથી ગુસ્સે ભરાયેલી દુલ્હને જતું કરવાની ભાવનાથી ચૂપચાપ પરણવાને બદલે બંડ પોકારી લગ્ન કરવાનું માંડી વાળવાની સાથે પોલીસને પણ બોલાવી લીધી હતી. મંડપમાં પહોંચલી પોલીસે વરરાજા અને ટલ્લી થયેલા જાનૈયાઓને પકડી તેમને જેલભેગા કરી દીધા હતા.

આઠ મહિના પહેલા અનુષ્કા કુમારી નામની યુવતીના લગ્ન ઉદય રાઝક નામના યુવક સાથે નક્કી થયા હતા. શુક્રવારે સાંજે જ્યારે ઉદય જાન લઈને પરણવા પહોંચ્યો ત્યારે લગ્નમાં ગીતો વગાડવા મામલે તેણે અનુષ્કાના સંબંધીઓ જોડે બબાલ કરી હતી, અને કેટલાક લોકોને તો ફટકાર્યા પણ હતા.

થનારા પતિએ લગ્ન પહેલા જ આવી હરકત કરતા ગુસ્સે ભરાયેલી અનુષ્કાએ નમતું જોખવાને બદલે મંડપમાંથી જ ચાલતી પકડી હતી, અને પરણવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. બિહાર જેવા રાજ્યમાં કોઈ યુવતી આવું કરે તે નવાઈની વાત છે, જોકે અનુષ્કાએ સમાજમાં એક અનોખું દ્રષ્ટાંત રજૂ કરતા પરિસ્થિતિને સ્વીકારવાને બદલે તેની સામે બંડ પોકાર્યો હતો.

(12:00 am IST)