મુખ્ય સમાચાર
News of Monday, 22nd January 2018

'પદ્માવત' પર પ્રતિબંધ લગાવવા મધ્યપ્રદેશ - રાજસ્થાન સુપ્રીમના શરણે

આ મામલે આવતીકાલે કોર્ટ સુનાવણી કરવા તૈયારઃ ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થશે ફિલ્મ

ભોપાલ તા. ૨૨ : સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત પર કરણી સેનાનો વિરોધ હજી પણ ચાલુ છે. ૨૫ જાન્યુઆરીના રોજ દેશભરમાં ભણસાલીની ફિલ્મ પદ્માવત રિલીઝ થવાની છે. કરણી સેના સહિત અનેક સંગઠનોએ ફિલ્મનો બહિષ્કાર ચાલુ રાખ્યો છે. ત્યારે પદ્માવત પર પ્રતિબંધ લગાવવાને લઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકાર સુપ્રિમ કોર્ટ પહોંચી છે. આ મામલે ૨૩ જાન્યુઆરીના રોજ સુપ્રિમ કોર્ટ સુનવણી કરશે. આ રાજયોએ સુપ્રિમ કોર્ટમાં એક સંશોધન અરજી કરી હતી. આ મામલે હરિષ સાલ્વે વાયાકોમની સુનવણી માટે હાજર હતા.

આ પૂર્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાએ પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાના આદેશ જાહેર કર્યાં હતા. પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીએ આ અંગે સુપ્રિમ કોર્ટમાં અરજી કરતાં, સુપ્રિમ કોર્ટે ચારેય રાજયોને ફિલ્મને જયારે CBFCએ મંજૂરી આપી દીધી છે ત્યારે તેને રજૂ કરવા પર પ્રતિબંધ ન મૂકી શકે તેવા નિર્દેશ આપ્યાં હતા. તો બીજી તરફ કરણી સેનાએ ફિલ્મની રજૂઆતને લઈને એકવાર ફરીથી ધમકી આપી છે. ફિલ્મ પદ્માવત ૨૫ જાન્યુઆરીનાં રોજ રજૂ થવાની છે.પદ્માવતના વિરોધમાં દેશભરમા કરણી સેના પ્રદર્શન કરી રહી છે. જેમાં ગઈકાલે ગુજરાતમા પણ વિવિધ શહેરોમાં ટાયરો બાળી હાઈવે પર ચક્કાજામ કર્યું હતું. હરિયાણાના કુરુક્ષેત્રમાં ફિલ્મ પદ્માવતના વિરોધનો મામલો સામે આવ્યો છે. ફિલ્મ પદ્માવતી કોઈ પણ હાલમાં રિલીઝ ન થાય તે મિશનમાં કરણી સેના લાગી ગઈ છે.

આ મામલે રાજસ્થાનની પરિસ્થિતિ સૌથી ખરાબ છે. સીએમ વસુંધરા રાજે ફિલ્મ રિલીઝની વિરુદ્ઘ સુપ્રિમ કોર્ટમાં જવા આતુર છે. ઈલેકશન નજીક છે, આવામાં પરિસ્થિતિ વધુ વિકટ થતા વસુંધરા રાજેની વોટ બેંક ખતરામાં આવી શકે છે.

(3:56 pm IST)