મુખ્ય સમાચાર
News of Monday, 22nd January 2018

સુપ્રીમ કોર્ટ વિવાદ અંગે વડાપ્રધાન મોદીએ પહેલીવાર મૌન તોડયું: સરકાર અને રાજકીય પક્ષોએ કાયદાકીય બાબતોથી દૂર જ રહેવું જોઇએ

નવી દિલ્હી તા. ૨૨ : દેશમાં કાયદાને લઈને હાલમાં જે કટોકટી ચાલી રહી છે તે અંગે પહેલીવાર મૌન તોડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું કે સરકાર અને રાજકીય પક્ષોએ કાયદાકીય બાબતોથી દૂર જ રહેવું જોઈએ. તેમણે એ વિશ્વાસ જતાવ્યો હતો કે દેશની જયુડિશિયરી એક સાથે બેસીને આ સમસ્યાઓનો હલ લાવશે. અમારી સહયોગી ચેનલ ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારતીય ન્યાયતંત્રનો ઈતિહાસ ઉજળો છે અને તેમાં ઘણા સક્ષમ લોકો છે.

સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોએ સંવેદનશીલ કેસ ફાળવવાના ચીફ જસ્ટિસના નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરી તેને કારણે ન્યાયતંત્રના ટોચના સ્તરે ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું, 'મને એવુ લાગે છે કે મારે આ ચર્ચાથી અંતર જ રાખવુ જોઈએ. સરકારે પણ આ મુદ્દાથી દૂર રહેવું જોઈએ. રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે દખલ ન કરવી જોઈએ.'

વિરોધ પક્ષો પર નિશાન સાધતા મોદીએ કહ્યું, 'વિરોધ પક્ષો જે માર્ગે છે તેને કારણે તો હું આજે જયાં છુ ત્યાં પહોંચી શકયો છું.' ૧૨ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના ટોચના ચાર જજ જસ્ટી ચલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કહ્યું હતુ કે સુપ્રીમ કોર્ટમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. તેમણે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે તેમના દ્વારા વ્યકત કરવામાં આવેલી ચિંતાને તે નજરઅંદાજ કરતા આવ્યા છે.

(9:38 am IST)