મુખ્ય સમાચાર
News of Monday, 21st December 2020

કોરોનાના કારણે મહિલાઓની સરખામણીમાં પુરૂષોના જીવને ૩૦% વધારે જોખમ

કોવિડ-૧૯ના કારણે સમાન ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતી મહિલાઓની તુલનામાં પુરૂષોના જીવ સામે વધુ જોખમ

બોસ્ટન,તા.૨૧: કોરોના વાયરસના ચેપના કારણે સમાન ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતી મહિલાઓની તુલનામાં પુરૂષોના જીવ સામે જોખમ ૩૦ ટકા વધારે હોય છે. એક નવા અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે. કિલનિકલ ઈન્ફેકશન ડિસિઝ મેગેઝિનમાં પ્રકાશિત એક અભ્યાસના જણાવ્યા પ્રમાણે કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત પુરૂષ દર્દીને જો ડાયાબિટીસ, હાઈ બીપી કે મેદસ્વીતા હોય છે તો તેમનો જીવ જવાનું જોખમ વધારે હોય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ દેશભરની ૬૧૩ હોસ્પિટલોમાં દાખલ કોવિડ-૧૯ના અંદાજીત ૬૭,૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યો હતો.

આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પહેલાથી જ મેદસ્વીતા, હાઈ બીપી કે ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા કોરોનાથી ચેપગ્રસ્ત ૨૦થી ૩૯ વય વર્ગના રોગીઓને પોતાના સ્વસ્થ સાથીઓની તુલનામાં જીવનું જોખમ વધારે હતું.

અભ્યાસમાં સામેલ ડોકટર એન્થોની ડી હેરિસનું કહેવું છે કે જ્ઞાન એક શકિત છે અને તેથી મારું માનવું છે કે આ અભ્યાસથી અગાઉથી જ કોઈ રોગ ધરાવતા હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સારવાર માટે મદદ મળી શકે છે. આ પ્રકારના દર્દીઓને કેવા પ્રકારની સારવાર આપવી જોઈએ તેના માટે આ અભ્યાસની મદદ લઈ શકાય છે.

સંશોધકોનું માનવું છે કે ડોકટરો કયા કોવિડ-૧૯ દર્દીને કઈ સારવાર વધારે અસરકારક રહેશે તેની જાણકારી મળી શકે છે. જો તેમને ચેપ લાગ્યાના શરૂઆતી દિવસોમાં યોગ્ય સારવાર મળી જાય તો હોસ્પિટલમાં દાખલ થવાની શકયતાઓ દ્યણી દ્યટી જશે. અભ્યાસના જણાવ્યા પ્રમાણે કોરોનામાં મૃત્યુઆંકમાં ઉંમરનું ફેકટર ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

આ અભ્યાસ કરનારી ટીમના વડા કેથરિન ગુડમેને જણાવ્યું હતું કે હજી પણ ઉંમરલાયક દર્દીઓના મૃત્યુની સંભાવના વધારે છે પરંતુ મેદસ્વીતા અથવા તો હાઈપર ટેન્શન ધરાવતા યુવાન દર્દીઓમાં પણ તેમની જ ઉંમરના સામાન્ય દર્દીઓ કરતા મૃત્યુનું જોખમ વધારે રહે છે.

(10:09 am IST)