મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

કોરોનાનો કહેરઃ મધ્યપ્રદેશના પાંચ શહેરોમાં પણ રાત્રિ કફર્યુ

મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં શનિવારે એટલે કે તારીખ ૨૧ નવેમ્બરથી દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે

ભોપાલ,તા. ૨૧: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે રાજયમાં હવે બીજીવખત લોકડાઉન લાગુ નહીં થાય. પણ, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકારે ૫ શહેરોમાં નાઈટ કર્ફ્યુ અને કેટલાંક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં શનિવારે એટલે કે તારીખ ૨૧ નવેમ્બરથી દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રાજયમાં ધોરણ ૮ સુધીની શાળાને ૩૧ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કેસો ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશા શહેરોમાં વધુ છે. આ જિલ્લાઓમાં તારીખ ૨૧ નવેમ્બરથી આગામી આદેશ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ દરમિયાન દુકાનો અને વ્યાવસાયિક સ્થળો બંધ રહેશે. ઈમરજન્સીની સ્થિતિમાં સામાન્ય નાગરિકને આ દરમિયાન અવર-જવર માટેની પરવાનગી મળશે. આ સિવાય જે શહેરોમાં કોરોના વાયરસના વધારે કેસ જોવા મળશે ત્યાં રાત્રિ કર્ફ્યુ લાગુ થઈ શકે છે. જેનો અધિકાર જિલ્લા મેજિસ્ટ્રેટની પાસે હશે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અવર-જવર કરતા ટ્રાન્સપોર્ટને રોકવામાં આવશે નહીં.

(9:43 am IST)