મુખ્ય સમાચાર
News of Thursday, 21st November 2019

હરેન પંડયા મર્ડર કેસઃ ૧૦ દોષિતોને ન મળી રાહતઃ સુપ્રિમ કોર્ટે ફગાવી પુનર્વિચાર અરજી

સુપ્રિમ કોર્ટે યથાવત રાખ્યો ફેંસલોઃ ૧૦ દોષિત જાહેર

નવી દિલ્હી, તા.૨૧: સુપ્રીમ કોર્ટે હરેન પંડ્યા કેસની રિવ્યુ પિટીશન ફગાવી છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રીની હત્યાના કેસમાં ૧૦ આરોપીઓને ફટકારેલી સજાને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને વિનીત શરણની ખંડપીઠે રિવ્યુ પિટીશન ફગાવી દીધી છે. આ સાથે ૫ જુલાઈએ આપવામાં આવેલા ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો છે.

૨૬મી માર્ચ ૨૦૦૩ સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ઘ્ગ્ત્ ના રિપોર્ટ્સ મુજબ ૨૦૦૨ના રમખાણોનો બદલો લેવા માટે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 'અમે રિવ્યુ પિટીશનને જોઈ અને અમે માનીએ છીએ કે જે આદેશની સમીક્ષાની અપીલ કરાઈ હતી, તેમાં કોઈ પ્રકારની ભૂલ નથી જણાતી, જેના કારણે પુનર્વિચાર કરવામાં આવે. માટે રિવ્યુ પિટીશનને ફગાવવામાં આવે છે.'

ટ્રાયલ કોર્ટે ૨૦૦૭માં ૧૨ લોકોને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ પછી કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ અને પછી સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યો અને ત્યાં ૧૨માંથી ૯ દોષિતોને આજીવન કેદ જયારે અન્યોને અલગ-અલગ પ્રકારની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ મામલે અસગર અલગી, મોહમ્મ રઉફ, મોહમ્મદ પરવેઝ, અબ્દુલ કયુમ શેખ, પરેવેઝ ખાન પઠાણ ઉર્ફે અતહર પરવેઝ, મોહમ્મદ ફારૂક ઉર્ફહાજી ફારૂક, શાહનવાઝ ગાંધી, કલીમ અહમદા ઉર્ફે કલીમુલ્લાહ, રેહાન પુથવાલા, મોહમ્મદ રિઝા સરેસવાલા, અનીઝ માચિસવાલા, મોહમ્મદ યુનુસ સરેસવાલા અને મોહમ્મદ સૈફુદ્દીનને દોષી ઠેરવ્યા છે.

(3:49 pm IST)