મુખ્ય સમાચાર
News of Wednesday, 21st November 2018

કરણી સેનામાં જોડાયા બાદ રીવાબા અને સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પીએમ મોદીને મળ્યાઃ જામનગર બેઠક ઉપર નવાજુનીના એંધાણ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબાએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ અંગેની તસવીર રવિન્દ્ર જાડેજાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી પણ આ તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીર બાદ બીજી એક ચર્ચા પણ સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં શરૂ થઈ છે, જે આગામી લોકસભાની ચૂંટણીને લઈને છે. ઉલ્લેખનીય છે કે

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા તાજેતરમાં જ કરણી સેનામાં જોડાયા છે. કરણી સેનામાં જોડાવાની વાત અને ત્યારબાદ વડાપ્રધાન સાથે મુલાકાતને રાજકીય પંડિતો ખૂબ જ સૂચક માની રહ્યા છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પણ હવે નજીક જ  છે ત્યારે એવી ચર્ચા શરૂ થઈ છે કે શું નરેન્દ્ર મોદી આ વખતે જામનગર બેઠક પર સરપ્રાઇઝ આપશે કે શું? ગત ચૂંટણીમાં જામનગર બેઠક પરથી યુવા સાંસદ પૂનમ માડમ ચૂંટાઈ આવ્યા છે. વડાપ્રધાને ટ્વીટ કરી લખ્યું કે આ એક અદભુત મુલાકાત છે. 'જાણીતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમની પત્ની રીવાબા સાથે શાનદાર વાતચીત થઇ'. સાથે જ જાડેજાએ પણ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'વડાપ્રધાન મોદી સાહેબ સાથે મુલાકાત કરવાનો ખૂબ જ ઉમદા મોકો મળ્યો.' એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પીએમ મોદી વચ્ચેની મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ક્રિકેટમાં ભારતના મહત્વપૂર્ણ યોગદાન વિશે ચર્ચા થઈ હતી. રીવાબાની વાત કરીએ તો રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી. આમ રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુકત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જયારે દાદી હયાત છે.

(3:05 pm IST)