મુખ્ય સમાચાર
News of Wednesday, 21st November 2018

મધ્યપ્રદેશ : ભાજપના ધારાસભ્યને પહેરાવી દેવાઇ જૂતાની માળા

નાગદા તા. ૨૧ : મધ્ય પ્રદેશમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ ચૂંટણી પ્રચાર પણ જોર પકડી રહ્યો છે. લોકોની વચ્ચે મત માગવા નીકળેલા નેતાઓને અવનવા અનુભવોમાંથી પસાર થવું પડી રહ્યું છે. કયાંક તેમને જનતાના રોષનો પણ ભોગ બનવું પડી રહ્યું છે. એવું જ કંઈક મધ્ય પ્રદેશના નાગદામાં બન્યું. અહીં વોટ માંગવા આવેલા ભાજપના વર્તમાન ધારાસભ્ય અને ઉમેદવાર દિલીપ શેખાવતને એક વ્યકિતએ જૂતાની માળા પહેરાવી દીધી.

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ માળા ઉતારીને ફેંકી દીધી અને એ વ્યકિતની ધોલાઈ કરી દીધી. બંને વચ્ચે ખાસ્સો ઝઘડો પણ થયો. ઘટના સોમવારની છે, જયારે મોડી સાંજે નાગદા ખાચરોદ બેઠકના ધારાસભ્ય અને ઉમેદવાર દિલીપ શેખાવત જનસંપર્ક માટે નીકળ્યા હતા. તેઓ એક ગામ તરફ ગયા અને ત્યાં ઉપસ્થિત લોકોના આશીર્વાદ માંગી રહ્યા હતા. એ દરમિયાન ભાજપની ટોપી લગાવીને આવેલા એક શખશે વોટ માંગવા આવેલા નેતાના ગળામાં જૂતાનો હાર પહેરાવી દીધો.

દિલીપ કંઈ સમજે તે પહેલા તો તે શખસ તેમને જૂતાનો હાર પહેરાવી ચૂકયો હતો. જોકે, તેને જોતાં જ દિલીપ ગુસ્સે થઈ ગયા અને તેમણે તરત જ માળા ઉતારીને એ શખસની ધોલાઈ કરી દીધી. જોકે, આ વ્યકિતની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

(10:30 am IST)