મુખ્ય સમાચાર
News of Wednesday, 21st October 2020

ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા આયાત નિયમોમાં છૂટછાટ

સરકારે ડુંગળીના પોતાના બફર સ્ટોકમાંથી બજારમાં સપ્લાય વધારવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં ડુંગળીના વધતા ભાવને અંકુશમાં રાખવા સરકારે  મોટો નિર્ણય લીધો છે. સરકારે ડુંગળીની આયાત સંબંધિત નિયમોમાં છુટછાટ આપી છે જેથી સ્થાનિક બજારમાં આયાતી ડુંગળીની સપ્લાય વધારીને ભાવને અંકુશમાં રાખી શકાય. ઉપરાંત સરકારે ડુંગળીના પોતાના બફર સ્ટોકમાંથી બજારમાં સપ્લાય વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે આજે એક નિવેદનમાં આ માહિતી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ છેલ્લા એક મહિનામાં ઘણા વધી ગયા છે. ગત મંગળવારે ચેન્નઇ ખાતે છુટક બજારમાં 1 કિલો ડુંગળીનો ભાવ 73 રૂપિયા બોલાયો હતો. તો દિલ્હીમાં ડુંગળી 50 રૂપિયા, કલકત્તામાં 65 રૂપિયા અને મુંબઇમાં 67 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાઇ રહી છે. બજાર જાણકારોનું કહેવુ છે કે, દક્ષિણ અને પશ્ચિમના વિસ્તારોમાં ભારે વરસાદથી સપ્લાયમાં મુશ્કેલી સર્જાઇ છે અને ખરીફ પાકની આવક પ્રભાવિત થઇ છે. જે આગામી સપ્તાહોમાં શરૂ થનાર છે.

હાલ બજારમાં શિયાળામાં સંગ્રહ કરાયેલી ડુંગળી વેચાઇ રહી છે. નિષ્ણાંતોનું માનવુ છે કે સામાન્ય રીતે વપરાશવાળા વિસ્તારોમાં આ દરમિયાન ભાવ પણ દબાણ આવી જાય છે પરંતુ વરસાદના લીધે મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે જેના પગલે સપ્લાય અવરોધાઇ છે. સરકારી આંકડાઓ મુજબ દક્ષિણ અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ડુંગળીના છુટક ભાવ તીવ્ર ગતિથી વધ્યા છે.

(8:04 pm IST)