મુખ્ય સમાચાર
News of Wednesday, 21st October 2020

ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૭૬ લાખ ઉપર

૨૪ કલાકમાં ૫૪૦૪૪ કેસઃ ૭૧૭ના મોત

નવી દિલ્હી, તા.૨૧: ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે જાહેર થયેલો આંકડો ૫૦ હજારની નીચે આવ્યો હતો જયારે આજે તે આંકડો ૫૪ હજારે પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૦૪૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૬,૫૧,૧૦૮ થઈ ગઈ છે.

આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૬૭ લાખ ૯૫ હજાર ૧૦૩ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૭,૪૦,૦૯૦ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૯૧૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ત્ઘ્પ્ય્)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૦ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૭૨,૦૦,૩૭૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૦,૮૩,૬૦૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં ૨૦મી ઓકટોબરે કોરોના વાયરસના ૧૧૨૬ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૧૨૮ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૮ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૬૧,૮૪૮ એ પહોંચી ગયો છે.

(3:19 pm IST)