મુખ્ય સમાચાર
News of Monday, 21st October 2019

કોલગર્લ કહેવું આત્મહત્યા માટે ઉશ્કેરવા સમાન નથી

સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ આદેશ કરાયો : બોયફ્રેન્ડના ઘરે પહોંચેલી યુવતીને માતા-પિતાએ કોલગર્લ તરીકે કહી હતી : ૧૫ વર્ષ બાદ મામલામાં ચુકાદો આવ્યો

નવી દિલ્હી, તા. ૨૦ : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ તારણ આપતા કહ્યું છે કે, યુવતીને કોલગર્લ તરીકે કહેવાની બાબત આત્મહત્યા માટે ઉશ્કેરવા સમાન નથી. સુપ્રીમ કોર્ટના આ તારણને ખુબ ઉપયોગી તરીકે કાયદાકીય નિષ્ણાતો ગણી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે એક મામલામાં સુનાવણી ચાલવતા કહ્યું છે કે, કોલગર્લ કહેવાની સ્થિતિમાં જો કોઇ યુવતીએ આત્મહત્યા કરી છે તો તેના જવાબદાર તરીકે આરોપીઓને ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, આ બાબત કહી શકાય નહીં કે, આરોપીઓના વ્યવહાર અને તેના દ્વારા બોલવામાં આવેલા શબ્દો પછી પીડિતાની પાસે આત્મહત્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે ૧૫ વર્ષ જુના મામલામાં યુવક અને તેના માતાપિતાને આરોપોમાંથી છોડી દીધા છે. આ આરોપ આઈપીસીની કલમ ૩૦૬-૩૪ હેઠળ પુરતા પુરાવા હોવાની માની શકાય નહીં. હકીકતમાં કેસની વિગત એવી છે કે, યુવતી પોતાના બોયફ્રેન્ડની સાથે તેના ઘરે પહોંચી હતી.

          ત્યારે ઘરમાં ખેંચતાણની સ્થિતિ સર્જાઈ હતી. આ ગાળા દરમિયાન યુવકના માતાપિતાએ યુવતીને કોલગર્લ તરીકે ગણાવી હતી. યુવક અને તેના માતાપિતા પર યુવતીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૧૫ વર્ષના ગાળા બાદ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો ત્યારે પરિવારને રાહત મળી છે. સુપ્રીમે કહ્યું છે કે, કોલગર્લ કહેવાથી આરોપીઓને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવીને સજા કરી શકાય નહીં. જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ આર સુભાષ રેડ્ડીએ પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આત્મહત્યા કરવા માટેનું કારણ અપમાનજનક ભાષાનો ઉપયોગ હતો તેમ માની શકાય નહીં. જજે કહ્યું હતું કે, ગુસ્સામાં કહેવામાં આવેલા એક શબ્દને જેના પરિણામના સંદર્ભમાં વિચારણા કરાતી નથી તેને ઉશ્કેરણીજનક કૃત્ય ગણી શકાય નહીં.

(12:00 am IST)