મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

FPI દ્વારા વેચવાલીનો દોર જારી : ૩૨૦૦૦ કરોડ પરત

છેલ્લા ત્રણ સપ્તાહમાં માર્કેટમાંથી નાણાં ખેંચાયા :ઇક્વિટીમાંથી કુલ ૧૯૮૧૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા ગ્લોબલ ટ્રેડવોરની અસરની વચ્ચે રોકાણકારો દહેશતમાં

મુંબઈ, તા.૨૧ : વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૩૧૯૭૭ કરોડ રૂપિયા અથવા તો ચાર અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. હાલમાં ચાલી રહેલા ગ્લોબલ ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે મૂડીરોકાણકારો સાવચેતીપૂર્વકનું વલણ અપનાવીને જંગી નાણાં ભારતીય મૂડી માર્કેટમાંથી પાછા ખેંચી રહ્યા છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને અમેરિકામાં નવેસરના ઘટનાક્રમની અસર જોવા મળી રહી છે. સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.  નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ પહેલીથી ૧૯મી ઓક્ટોબરના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૧૯૮૧૦ કરોડ રૂપિયા પાછા  ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૧૬૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ ખેંચવામાં આવેલા આંકડો ૩૧૯૭૭ કરોડ રૂપિયા રહ્યા છે.  થોડાક મહિનાઓને બાદ કરતા એફપીઆઈ દ્વારા મોટાભાગે વેચવાલી દર્શાવી છે. ઓક્ટોબર મહિનામાં હજુ સુધી સૌથી વધુ નાણા પાછા ખેંચાયા છે જેના પરિણામે બજારો હચમચી ઉઠ્યા છે.

વૈશ્વિક માર્કેટમાં નકારાત્મક માહોલની અસર ભારતીય શેરબજાર ઉપર થઇ છે. અમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેડવોરના લીધે સ્થિતિ વણસી છે. ઇક્વિટી, બોન્ડ અને કરન્સી માર્કેટમાં ઉતારચઢાવની અસર એફપીઆઈ ઉપર જોવા મળી છે. ફંડ ઇન્ડિયામાં મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચમાં વડા વિદ્યાબાલાએ કહ્યું છે કે, અમેરિકામાં રેટમાં વધારો થતાં ડોલરની સ્થિતિ મજબૂત થઇ છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં કડાકો પણ જોવા ળી રહ્યો છે. બાલાનું કહેવું છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજનાર છે. આ ચૂંટણીના પરિણામ અને માહોલ પણ એફપીઆઈ ઉપર અસર કરશે. આને લઇને આગામી વર્ષની સામાન્ય ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થશે.  આ વર્ષે એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૩૩૦૦૦ કરોડ રૂપિયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૬૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ફંડ ઇન્ડિયામાં મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચના વડા વિદ્યાબાલાએ માહિતી આપતા કહ્યું છે કે, અમેરિકામાં વ્યાજના દરો વધી રહ્યા છે. ડોલર રૂપિયા સામે મજબૂત થઇ રહ્યો છે. અમેરિકામાં કમાણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થઇ રહ્યું છે. જેના પરિણામ સ્વરુપે ભારતમાંથી તથા અન્ય ઉભરી રહેલા માર્કેટમાંથી વિદેશી રોકાણકારો નાણા પરત ખેંચી રહ્યા છે. સ્થાનિક સ્તરે બેંકોમાં મેનેજમેન્ટ સંબંધિત મુદ્દાઓ સપાટી ઉપર આવી રહ્યા છે. એનબીએફસીમાં લિક્વિડીટીની સ્થિતિ મજબૂત થઇ રહી છે. બાલાનું કહેવું છે કે, અન્ય જુદા જુદા પરિબળોના લીધે પણ હજુ સુધી અફડાતફડી જારી રહેશે.

FPI દ્વારા વેચવાલી....

*   છેલ્લા ૩ કારોબારી સેશનમાં એફપીઆઈ દ્વારા ૩૨૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા

*   પહેલીથી ૧૯મી ઓક્ટોબર દરમિયાન ઇક્વિટીમાંથી ૧૯૮૧૦ કરોડ પાછા ખેંચાયા

*   ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૧૬૭ કરોડ રૂપિયા પાછા ખેંચાયા

*   આ વર્ષે એફપીઆઈ મોટાભાગે વેચવાલીના મૂડમાં દેખાતા શેરબજારમાં કડાકો

*   વર્ષ ૨૦૧૮માં હજુ સુધી એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૩૩૦૦૦ કરોડ અને ડેબ્ટમાંથી ૬૦૦૦૦ કરોડ પાછા ખેંચાયા

*   ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત વધારો જારી રહેતા તથા ડોલર સામે રૂપિયો ઘટી જતાં માઠી અસર

*   જુલાઇ-ઓગસ્ટના ગાળા દરમિયાન ૭૪૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા

*   એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ૬૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા

*   આ વર્ષમાં હજુ સુધી જંગી નાણા પરત ખેંચવામાં આવ્યા છે

(7:57 pm IST)