મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

માલ્‍યાના બુરે દિનની રફતાર તેજ : માલ્યાનું લંડનનું વૈભવી મકાન જપ્ત કરવા હવે સ્વિસ બેન્કે કોર્ટમાં અરજી કરી

 

યુકેઃ ભારતીય બેન્કો પાસેથી લોન લઇને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને વિદેશી ભાગી ગયેલા ડિફોલ્ટર વિજય માલ્યાના એક પછી એક મિલકત ટાંચમાં લેવામાં આવી રહી છે. ભાગેડું માલ્યાની લંડનમાં રહેલી કરોડોની વિશાળ અને વૈભવી હવેલી/મકાન પણ ગુમાવવી પડશે. કારણ કે, સ્વિસ બેન્ક યુબીએસ એબીએ વિજય માલ્યા, તેની માતા અને પુત્રને રેજેન્ટ પાર્ક સ્થિત આ કરોડોનું મૂલ્ય ધરાવતી હવેલીમાંથી બહાર નિકાળવા માટે હાઇકોર્ટમાં અપિલ કરી છે. માલ્યાએ આ વૈભવી મકાનને ગીરવે મૂકીને લોન લીધી હતી. જેની મુદ્દત સમાપ્ત થઇ ગયા બાદ પણ માલ્યા એ લોનની ચૂકવણી કરી નથી.

તાજેતરમા જ યુકેમાં એક ઉચ્ચ એન્ફોર્મસમેન્ટ ઓફિસર ટૂંક સમયમાં વિજય માલ્યાની છ વૈભવી કારના કાફલાની હરાજી કરશે તેવા અહેવાલ આવ્યા હતા. હવે માલ્યાની લંડન સ્થિત વૈભવી હવેલી પણ ટાંચમાં લેવાશે.

રોઝ કેપિટલ વેન્ચર્સ લિમિટેડ વિજય માલ્યા, તેની માતા લલિતા માલ્યા અને પુત્ર સિદ્ધાર્થ માલ્યાની વિરુદ્ધ આ કેસમાં આગામી 24મી ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. રોઝ કેપિટલ વેન્ચર્સ લિમિટેડે યુએસબી પાસે આ સ્થાવર મિલક્તની સામે 2.04 કરોડ પાઉન્ડ (લગભગ રૂ. 195 કરોડ)ની લોન લીધી હતી. રોઝ કેપિટલના શેર ગ્લાડકોની પાસે છે જેણા માલિકી હક માલ્યા પરિવારના સિલેતા ટ્રસ્ટની પાસે છે. માલ્યાએ પોતાના બચાવમાં આ વાત જણાવી છે.

યુબીએસ એ કહ્યું કે, લોનની નિર્ધારિત સમયમર્યાદા સમાપ્ત થયા બાદ જ માલ્યા પરિવારને આ ગીરવે મૂકેલી હવેલી ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ તેમણે ત્યાંથી બહાર નીકળવા ઇન્કાર કર્યો છે.

આ ગીરવે મૂકેલી સ્થાવર મિલક્તને રોઝ કેપિટલે ત્રણ ઓક્ટોબર 2005ના રોજ 54 લાખ પાઉન્ડ (લગભગ 52 કરોડ રૂપિયા)માં ખરીદી હતી. આ પ્રોપર્ટીનો ફ્રી હોલ્ડ રાઇટ ક્રાઉન એસ્ટેટની પાસે છે. બેન્કે બાકી લોનની રિકવરી અને ગીરવે મૂકેલી મિલકત ખાલી કરાવવાનો આદેશ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. બેન્કના મતે 1લી સપ્ટેમ્બર 2017ના રોજ સુધી રૂ.198 કરોડના બાકી લેણાં હતા.

દાવા મુજબ યુબીએસ એ 9મી જૂન 2016ના રોજ જ લોન રદ કરી દીધી હતી. લોનની પરત ચૂકવણી ન કરવાના કારણે બેન્કે નવેમ્બર 2016માં બાકી વસૂલાત અને સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ઉલ્લેખનિય છે કે, વિજય માલ્યા ભારતીય બેન્કોને રૂ.નવ હજાર કરોડનું ફુલેકું ફેરવીને વિદેશ ભાગી ગયો છે. ભારત સરકાર તેને સ્વદેશ પરત લાવવા માટે પ્રત્યાર્પણના તમામ પ્રયત્નો કરી રહી છે.

(3:32 pm IST)