મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

કેન્‍દ્ર સરકાર દ્વારા સુખદ યાત્રા અેપ લોન્ચઃ હાઇવે વિશેની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ

નવી દિલ્હીઃ જો તમે હાઈવે પર ડ્રાઇવિંગ કરતા હોવ તો કેન્દ્ર સરકાર તરફથી અનેક એવી નવી સર્વિસ ચાલુ કરવામાં આવી છે જે તમારા ખૂબ કામની સાબિત થઈ શકે છે. આ સર્વિસથી ફક્ત તમારો પ્રવાસ સહેલો થાય તેવું નથી પરંતુ ઈમર્જન્સી કે મુશ્કેલીની ઘડીમાં પણ આ સર્વિસ ખૂબ મદદરુપ સાબિત થઈ શકે છે.

એપને જરુર ડાઉનલોડ કરો

જો તમારે હાઈવેની મુસાફરી ખૂબ વધારે રહેતી હોય અને તેમાં પણ કાર લઈને જતા હોવ તો થોડા સમય પહેલા સરકારે લોંચ કરેલી સુખદ યાત્રા એપ જરુર ડાઉનલોડ કરી લો. આ એપની મદદથી તમને હાઈવે પર રોડની સ્થિતિ, ટોલ સુવિધાઓ, ટોલ ટેક્સના દર, હાઈવે પર જામ છે કે નહીં અને જો છે તો કેટલીવારમાં હાઈવે ક્લિયર થશેનું કારણ. તેટલું જ નહીં એક્સિડેન્ટથી લઈને હાઇવેની ખરાબ સ્થિતિ અંગે ફરિયાદ પણ કરી શકો છો.

આ ટોલ નંબરને યાદ રાખો

હાઈવેથી પસાર થતી વખતે તમારી સાથે કોઈ દુર્ઘટના ન ઘટે અથવા બીજી કોઈ સાથે પણ આવું બન્યું હોય તો તમે 1033 નંબરને તમારા મોબાઇલમાં સ્ટોર રાખો. આ નંબર પરથી તમે તાત્કાલિક મદદ માગી શકો છો. જેથી આસપાસની એમ્બ્યુલન્સ તરત જ તમારા સુધી પહોંચી જશે.

તમારા વાહનનમાં ફાસ્ટેગ લગાવો

હાઈવે પરથી પસાર થતી વખતે તમારે અનેક જગ્યાએ ટોલ પ્લાઝા પર લાઇનમાં ઉભા રહેવું પડે છે. જ્યાં પેટ્રોલ અને સમય બંનેનો બગાડ થાય છે. પરંતુ મોદી સરકારે તેના ઉપાય તરીકે ગત વર્ષે જ ફાસ્ટેગની સુવિધા ઉપબલ્ધ કરાવી છે. આ ખાસ કૂપન ધરાવતા લોકોને ટોલ પ્લાઝા પર લાઇનમાં ઉભું રહેવું પડતું નથી. ફાસ્ટેગ વાહનો માટે એક અલાયદી લેન હોય છે. જેમાંથી તમે ફૂલ સ્પીડે પસાર થઈ જશો તો પણ તમારા ટેગને સ્કેન કરીને ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ટોલની નિયત ફી ઓટોમેટિક ડિડક્ટ થઈ જશે. આ સુવિધાનો ઉપયોગ જેટલો વધુ કરશો તેટલો પ્રવાસ વધુ આરામદાયક અને ટૂંકો રહેશે.

પેટ્રોલ-ડીઝલ અંગે ચિંતા છોડો

ઘણીવાર એવું બને છે કે જો તમે નિયમિત કાર ચલાવતા હોવ ત્યારે હાઈવે પર પહોંચી ગયા પછી ખબર પડે છે કે ગાડીમાં તો પેટ્રોલ-ડીઝલ ઓછું છે. તો ચિંતા નહીં હવે તમારા મોબાઇલ પર જ માહિતી આવી જશે કે નજીકનું પેટ્રોલ પમ્પ ક્યાં અને કેટલું દૂર છે.

હાઈવે નેસ્ટ

કેન્દ્ર સરકારે હાઈવેની બંને તરફ લોકોને ખાવાપીવાથી લઈને નહાવા-ધોવા અને ગાડીને સાફ કરવા માટે કાર વોશ, ATM અને મોબાઇલ રિચાર્જ માટેની સુવિધા ઉભી કરી રહી છે. આવી જગ્યાને હાઈવે નેસ્ટ અથવા હાઈવે વિલેજ કહેવામાં આવે છે. સરકારનો પ્લાન છે કે દર થોડા થોડા અંતરે આવા હાઈવે નેસ્ટ અને હાઈવે વિલેજ બનાવવામાં આવે.

(12:00 am IST)