મુખ્ય સમાચાર
News of Tuesday, 21st September 2021

નેપાળનું બંધારણ જાહેર ન કરવા ધમકી અપાઈ હતી

નેપાળના પૂર્વ વડાપ્રધાને ભારત પર આરોપ લગાવ્યા : સંવિધાનને ભારતના સૂચનો વિરૂદ્ધ બનાવાશે તો નહીં સ્વિકારાય એમ કહ્યું હોવાનો પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીનો આક્ષેપ

કાઠમંડુ, તા.૨૧ : નેપાળના પૂર્વ વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે પીએમ નરેન્દ્ર મોદીના વિશેષ દૂત એસ જયશંકરે નેપાળની પોલિટિકલ લીડરશિપને ધમકી આપી હતી કે તેઓ પોતાના બંધારણની જાહેરાત ના કરે. કેપી શર્માએ પણ કહ્યુ કે એવુ કહેવામાં આવ્યુ હતુ કે જો સંવિધાનને ભારતના સૂચનો વિરૂદ્ધ બનાવવામાં આવે તો તેને અપનાવવામાં આવશે નહીં

ઉલ્લેખનીય છે કે નેપાળની બંધારણ સભાએ પોતાનુ નવુ બંધારણ જાહેર કર્યુ હતુ. બંધારણને સપ્ટેમ્બર ૨૦૧૫માં પહેલીવાર ચૂંટાયેલા પ્રતિનિધિ નિકાય દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

જોકે બંધારણ વિરૂદ્ધ ભારતથી નજીક દક્ષિણ નેપાળના જિલ્લામાં ઘણુ વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યુ હતુ. કેપી શર્મા ઓલીએ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ-યુએમએલની સ્થાયી સમિતિને કેટલીક રાજનીતિક દસ્તાવેજના સેટ મોકલ્યા હતા. દસ્તાવેજોમાં તેમણે વાતનો ખુલાસો કર્યો છે. તેમણે ૧૯ સપ્ટેમ્બરે ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા અને દિવસે નેપાળે પોતાનો સાતમો સંવિધાન દિવસ મનાવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તત્કાલીન વિદેશ સચિવ જયશંકરે કાઠમાંડુનો પ્રવાસ કર્યો હતો અને પુષ્પા કમલ દહલ પ્રચંડ સહિત કેટલાક રાજકીય દળના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે અસંતોષ વ્યક્ત કર્યો હતો કે બંધારણમાં તેમની ચિંતાઓને દૂર કરવામાં આવી નથી અને બંધારણની ડ્રાફ્ટિંગ બાદથી નેપાળ સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યુ છે કે આને ના અપનાવે. ઉલ્લેખનીય છે કે નેપાળની મધેસ આધારિત પાર્ટીઓએ બંધારણને લઈને મહિના લાંબો વિરોધ કર્યો હતો.

પ્રદર્શનકારીઓએ કહ્યુ હતુ કે તેઓ નેપાળના દક્ષિણ તરાઈ વિસ્તારના નિવાસીઓના હિતનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા અને તેમની માગને પૂરી કરવા માટે સંવિધાનમાં સંશોધનનુ સરકાર પર દબાણ નાખી રહ્યા હતા. પ્રદર્શનકારીઓની માગમાં, પ્રાંતીય સીમાઓને ફરીથી બનાવવી, ક્ષેત્રીય ભાષાઓને માન્યતા આપવી, નાગરિકતા સાથે જોડાયેલા મુદ્દાને સંબોધિત કરવી અને નેશનલ એસેમ્બલીમાં પ્રતિનિધિત્વ જેવી કેટલીક ડિમાન્ડ સામેલ હતી. પ્રદર્શનમાં ૬૦ લોકોના મોત થઈ ગયા હતા.

(7:43 pm IST)