મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

પાકમાં વધુ એક શિખ છોકરીનું કિડનેપ, ધર્મપરિવર્તન કરાવાયું

અગાઉ એક છોકરી સાથે બળજબરી થઇ હતી : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી ૪૦ કિલો મીટર દૂરના હાસન અબ્દાલ વિસ્તારની ઘટનાથી ભારે ચકચાર

ઈસ્લામાબાદ, તા. ૨૧ : પાકિસ્તાનમાં વધુ એક શિખ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ છોકરીએ પાછળથી ધર્મ પરિવર્તન પણ કરી લીધું હતું. ઈસ્લામ કબૂલ કર્યા પછી તેણે સ્થાનિક છોકરા સાથે લગ્ન કર્યાં છે. ગત વર્ષે નનાકાનામાં ગુરુદ્વારા તંબુ સાહિબની મુખ્ય ગ્રંથિની પુત્રીનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે દબાણમાં આવીને ઈસ્લામનો સ્વીકાર કર્યો અને એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી લીધા હતા. આ ઘટના પછી નનાકાના સાહિબમાં ઘણા દિવસો સુધી તણાવ રહ્યો હતો. રિપોર્ટ મુજબ ૨૨ વર્ષની શીખ છોકરી શુક્રવારે ઘરના કોઈ કામ માટે નીકળી હતી. પછીથી તે ગુમ થઈ ગઈ હતી. આ ઘટના હાસન અબ્દાલ ક્ષેત્રની છે, જે રાજધાની ઈસ્લામાબાદથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. ડીએસપી રાજા ફૈયાજ ઉલ હસને કહ્યું- હાસન અબ્દાલ પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત લોકોની સામે અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે.

           છોકરીના પિતાએ આ અંગે લેખિત ફરિયાદ આપી હતી. અમે છોકરીની શોધખોળ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, છોકરીએ ઘટના પછી પરિવારને એક વોટ્સઅપ મેસેજ કર્યો હતો. એમાં તેણે કહ્યું હતું કે તે તેની મરજીથી ઈસ્લામ કબૂલી ચૂકી છે. તેણે લગ્નની માહિતી પણ આપી છે. પોલીસ છોકરીની તપાસ કરી રહી છે, જેથી કરીને તેનું નિવેદન નોંધી શકાય. શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અમીર સિંહે આ ઘટનાની પુષ્ટિ કરી છે. સિંહે કહ્યું- પીડિત પરિવાર ગુરુદ્વારા પુંજા સાહિબની નજીક રહેતો હતો. છોકરીના પિતા અને કાકાએ પંજાબ પ્રાંતના એક મંત્રીને મળીને તેમની પાસે મદદ માગી છે.

પાકિસ્તાનમાં મુસ્લિમ ન હોય તેવી છોકરીઓનું જબરદસ્તીથી અપહરણ કરવામાં આવે છે. પછીથી બળજબરીથી તેના કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરાવવામાં આવે છે. યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના ડેટા જોઈએ તો દર વર્ષે ૧ હજારથી વધુ (૧૨થી ૨૮ વર્ષથી વચ્ચે) છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. તેમની પાસે ઈસ્લામ કબૂલાવાય છે. તેમનું અપહરણ કરવામાં આવે છે.

(9:38 pm IST)