મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

IPL-2020 :પંજાબની હાર માટે મેન્ટર કુંબલે જવાબદાર ? : ક્રિકેટ જગતમાં જબરી ચર્ચા

કોમેન્ટરોએ પણ કહ્યું, કુમ્બલે આવી ભૂલ કેવી રીતે કરી શકે:સુપર ઓવરમાં મયંકને કેમ ન ઊતાર્યો? ઉઠતા સવાલ

અબુધાબીઃ કોરોના મહામારીમાં 6 મહિનાના બ્રેક પછી આઇપીએલ-2020માં રમાયેલી દિલ્હી-પંજાબ વચ્ચેની મેચમાં ક્રિકેટ રસિકોને મજા પડી ગઇ હતી. ખુબ જ રોમાંચ અને ઉતાવ-ચઢાવવાળી આ મેચ દિલ્હી જીતી ગયું હતું. પરંતુ પંજાબની હાર માટે હવે ક્રિકેટ જગતમાં ટીમ મેન્ટર અનીલ કુમ્બલે  જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે.

રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2020ની દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) વચ્ચે રમાયેલી મેચની હજુ પણ ક્રિકેટરસિકો વચ્ચે ચર્ચા થઇ રહી છે. કારણ કે આવી મેચ રોજ રોજ જોવા મળતી નથી. ચોગ્ગા-છગ્ગાની રમઝટ બાદ મેચ ટાઇ થઇ અને પછી સુપર ઓવરમાં ખેંચાઇ હતી. તે પહેલાં પંજાબના મયંક અગ્રવાલએ હાથમાંથી નીકળી ગયેલી બાજીને એકલા હાથે ટીમની તરફેણમાં કરી હતી.

મેચ સુપર ઓવરમાં ખેંચાતા પંજાબ જ્યારે પ્રથમ બેટિંગ માટે ઉતર્યું ત્યારે પ્રસંશકો તો ઠીક કોમેન્ટેટરો પણ ચર્ચા કરવા લાગ્યા હતા કે પંજાબના મેન્ટર અનિલ કુમ્બલે આવી ભૂલ કેવી રીતે કરી શકે છે? સુપર ઓવર રમવા માટે મેદાન પર કેપ્ટન કેએલ રાહુલ અને વિન્ડીઝ વિકેટકિપર નિકોલસ પૂરન આવતા જ ચર્ચા થવા માંડી હતી.

કોમેન્ટરી કરી રહેલા આશીષ નેહરાએ સવાલ ઊઠાવ્યો હતો કે આખરે અનિલ કુમ્બલે આવો નિર્ણય કઇ રીતે લઇ શકે છે. પરંતુ તેમના સાથી કોમેન્ટેટરો વચ્ચે ચર્ચા થઇ હતી કે કુમ્બલે જેવા દિગ્ગજે આ નિર્ણય લીધો છે, તો તેની પાછળ કોઇ તર્ક હશે. પરંતુ આ નિર્ણય ફ્લોપ સાબિત થયો અને મેચ દિલ્હીના પક્ષમાં જતી રહી.

ક્રિકેટ રસિકો અને નિષ્ણાતોમાં ચર્ચા હતી કે જે મેચ એકલા હાથે ટીમ પંજાબના પક્ષમાં ખેંચી લાવનારા મયંક અગ્રવાલની સુપર ઓવરમાં કેમ અવગણના કરવામાં આવી? કારણ કે પંજાબ મેનેજમેન્ટે મોકલેલા બંને બોટ્સમેન રાહુલ અને નિકોલસ ત્રણ બોલમાં જ બે રને આઉટ થઇ ગયા હતા. તેથી નિયમ મુજબ બે બેટ્સમેનો આઉટ થતાં દિલ્હીમે સુપર ઓવરમાં માત્ર ત્રણ રન કરવાના આવ્યા હતા.

આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે એક સમયે 55 રનમાં પાંચ અને 101 રનમાં છ વિકેટ ગુમાવ્યા પછી મેચ જીતવાની આશા જ ગુમાવી દીધી હતી, પરંતુ મયંક અગ્રવાલ છેક સુધી પીચ પર ઊભો રહ્યો હતો. તેણે 60 બોલમાં ચાર છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 89 રન કરીને પંજાબને અશક્ય લાગતા વિજય તરફ દોરી ગયો હતો.

(9:07 pm IST)