મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

ચીન સરહદે તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી 3જી ઓક્ટોબરે અટલ રોહતાંગ ટનલનું કરશે ઉદ્ઘાટન : જનસભા સંબોધશે

ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીનો લાહૌલ જવાનો પણ કાર્યક્રમ

નવી દિલ્હી : ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી અટલ રોહતાંગ ટનલનું ઉદ્ઘાટન કરશે   3 ઓક્ટોબરના રોજ તેઓ હિમાચલ પ્રદેશ આવશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ 3 ઓક્ટોબરનો તૈયાર કરાયો છે.આ દિવસે તેઓ સામાજિક દ્રષ્ટિ અત્યંત મહત્વપૂર્ણ ટનલનું ઉદ્ઘાટન કરશે.

આ સિવાય પીએમ મોદી જનસભાને સંબોધન પણ કરશે. ઉદ્ઘાટન કર્યા બાદ તેમનો લાહૌલ જવાનો પણ કાર્યક્રમ છે. તેમના કાર્યક્રમને લઈને મુખ્યમંત્રીએ રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય સાથે ચર્ચા કરી હતી. 10,171 ફુટની ઊંચાઈ પર બનનારી આ રોહતાંગ ટનલને રાહતાંગ પાસ સાથે જોડીને બનાવવામાં આવી છે. આ દુનિયાની સૌથી ઊંચી અને સૌથી લાંબી રોડ ટનલ છે.

આ ટનલ 10 મીટર પહોળી છે. હવે મનાલીથી લેહ જવા માટે 46 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે. ટનલ આશરે 8.8 કિલોમીટર લાંબી છે. ટનલનો સૌથી મોટો ફાયદો લદ્દાખમાં ફરજ બજાવી રહેલા જવાનોને થશે. આ ટનલમાં કોઈપણ વાહન વધારેમાં વધારે 80 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. તેને બનાવવાની શરૂઆત 28 જૂન 2010 થી થઈ હતી. તેને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવી છે. જે ઘોડાની નાળની આકારની છે.

(6:36 pm IST)