મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

૩૦૦થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓ સરકારની મંજૂરી લીધા વગર કર્મચારીઓને રાખી અને કાઢી શકશે : શ્રમ મંત્રાલય

નોકરી કરતા લોકો માટે વધુ એક ચિંતાના સમાચાર

નવી દિલ્હી,તા.૨૧ : ૩૦૦થી  ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓ ટૂંક સમયમાં સરકારની મંજૂરી લીધા વગર કર્મચારીઓને રાખી અને કાઢી શકશે, શ્રમ મંત્રાલય શનિવારે લોકસભામાં રજૂ કરાયેલા એક ખરડામાં આ માટેના સુધારાની દરખાસ્ત કરી છે.

આ દરખાસ્ત મંત્રાલય અને મજૂર સંગઠનો વચ્ચે વિવાદનો મુખ્ય મુદ્દો છે, ઈન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ બિલ ૨૦૨૦માં આ દરખાસ્ત કરાઈ છે. વર્તમાન સમયમાં માત્ર તે કંપનીઓને સરકારની મંજૂરી વગર પોતાના કર્મચારીઓને રાખવાની અને કાઢવાની મંજૂરી છે જેના કર્મચારીઓની સંખ્યા ૧૦૦થી ઓછી હોય.શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આ ખરડો રજૂ કર્યુ હતુ જયારે કોંગ્રેસ અને અન્ય અમુક પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.

ઈન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ બિલ ૨૦૧૯ લોકસભા ુ હતુ. આ બિલ શનિવારે પાછો ખેંચી લેવાયુ હતુ. આ પહેલાં ખરડાનો મુસદ્દો શ્રમ મંત્રાલય દ્વારા ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યુ હતુ તેમાં પણ આ પદ્ઘતિની દરખાસ્ત કરાઈ હતી કે ૩૦૦થી ઓછા કર્માચરીઓ હોય એવી કંપનીઓ સરકારની મંજૂરી વગર નોકરી પર કર્મચારીઓને રાખી શકે છે અને કાઢી શકે છે. જો કે આ જોગવાઈનો મજૂર સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો અને તે ૨૦૧૯ના ખરડામાં સામેલ કરાઈ ન હતી. આ વર્ષની શરૂઆતમાં સંસદીય કમિટિએ પણ ૩૦૦થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓને સરકારની મંજૂરી વગર કર્મચારીઓ નિયુકત કરવા અને તેમને કાઢવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી.

ભારતમાં કોરોનાકાળમાં ફકત ચાર મહિનામાં જ ૬૬ લાખ જેટલા વ્હાઇટ કોલર વ્યવસાયિકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે. વ્હાઇટ કોલર જોબ ગુમાવનાર આવા લોકોમાં એન્જિનિયરો , શિક્ષકો , પ્રોફેસરો, એકાઉન્ટન્ટો વગેરેનો સમાવેશ થાય છે. મે મહિનાથી લઇને ઓગસ્ટ સુધીમાં આ સ્થિતિ ઉત્પન્ન થઇ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિકસના આંકડાઓ પ્રમાણે આ રીતે વ્હાઇટ કોલર જોબના સેકટરમાં રોજગારીનો આંકડો ૨૦૧૬ પછી સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.

એ વાત સ્પષ્ટ છે કે છેલ્લા ચાર વર્ષમાં રોજગારીની બાબતમાં જે વિકાસ થયો હતો તે બધો ધોવાઇ ગયો છે. સીએમઆઇઇના આંકડા પ્રમાણે આ ચાર મહિના દરમ્યાન ૫૦ લાખ મજૂરોએ પણ પોતાની રોજગારી ગુમાવવી પડી છે. જો કે સીએમઆઇઇના કન્ઝયુમર પિરામિડ હાઉસહોલ્ડના  સર્વે પ્રમાણે આ દરમ્યાન નોકરીઓમાં સૌથી વધુ નુકસાન વ્હાઇટ કોલર પ્રોફેશનલોએ જ ઉઠાવવુ પડ્યુ છે.

(4:06 pm IST)