મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

લોકડાઉનના કારણે સીનેગૃહોની હાલત કફોડી : સીંગલ સ્ક્રીન સીનેમા તો ''ધી એન્ડ'' તરફ

૬ મહિનાથી ભાડા-પગાર-મેઇટેનન્સ સહિતના ખર્ચ ભોગવતા માલીકો : મલ્ટીપ્લેકસોએ ૩૦ થી ૪૦ ટકા સ્ટાફની છટણી કરી નાખી : સીનેમાઘરો બંધ હોવાથી દેશે ૪ હજાર કરોડ જેટલી જીએસટીની આવક ગુમાવી : ર લાખ કે તેથી વધુ સીનેમા સાથે સંકળાયેલ લોકો બેરોજગાર બન્યાનો અંદાજ :ભારતમાં પ થી ૬ હજાર મલ્ટીપ્લેકસો અને સીંગલ સ્ક્રીન સીનેમા : વાર્ષિક ટર્ન ઓવર રપ થી ૩૦ હજાર કરોડ : રાહત ન મળતા સ્થિતિ બગડી

રાજકોટ : કોરોના કારણે દેશભરના સીનેમા ગૃહો ખુબ જ મોટા સંકટમાં છે. તેમાં પણ સીંગલ સ્ક્રીન સીનેમાનો તો મૃત્યુ ઘંટ વાગી જાય તેવી કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. મલ્ટીપ્લેક્ષ અને જીએસટીના ઉંચા દરોથી પહેલેથી મુશ્કેલી હતી. ઉપરાંત ૬ મહિનાથી દેશના તમામ સીનેમાઘરો બંધ હોવાથી માલીકોને ટેકસ, ભાડા, પગાર, મેઇટેનન્સ સહિતના ખર્ચાઓના કારણે કફોડી આર્થિક સ્થિતિમાં મુકાયા છે.

કર્નીવલ સીનેમામાં ગુજરાતના ઓપરેશન એરીયા મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી અલ્પેશભાઇ સોલંકીએ જણાવેલ કે હું ર૦ વર્ષથી આ લાઇનમાં છું અનેક મલ્ટીનેશનલ અને નેશનલ કંપની સાથે કામ કર્યુ છે. પણ હાલની સ્થિતિ સીનેમા ઘરો માટે ખુબ જ ખરાબ છે.

સીનેમા ગૃહો છેલ્લા ૬ મહિનાથી બંધ હોવાથી આર્થિકની સાથો-સાથ સામાજીક અને માનસીક અસર પણ આ ઉદ્યોગ-વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપર પડી છે. આખા ભારતમાં અંદાજે ૩ હજાર જેટલા સીંગલ સ્ક્રીન સીનેમા અને અંદાજે ર હજારથી ૩ હજાર જેટલા મલ્ટીપ્લેકસો કાર્યરત છે.

ઉપરાંત સીનેમા ગૃહ સાથે સીધા કે અન્ય રીતે સંકળાયેલા લોકોની સંખ્યા પણ ર લાખ કે તેથી વધુની છે. જેમાંથી મોટા ભાગના લોકો હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. સીંગલ સ્ક્રીન સીનેમાના માલીકો દ્વારા લોકોડાઉનના શરૂઆતના ૧-ર મહિના અડધો પગાર કર્મચારીઓને આપેલ પણ ત્યારબાદ દેવાનું બંધ કરેલ. જયારે મલ્ટીપ્લેકસ માલીકોએ ૩૦ થી ૪૦ ટકા સ્ટાફની છટણી કરી નાખી હતી.

બંધ રહેલ સીનેમા ગૃહને કોઇપણ પ્રકારના પેકેજ, સબસીડી કે જીએસટીમાં રાહત નથી મળી. મલ્ટીપ્લેકસ ચેઇનના સંચાલકો અને સીનેમાના માલીકો વચ્ચે પણ ભાડા અને અન્ય રખરખાવ અંગે વાટાઘાટો અને લીગલ નોટીસો અપાય રહ્યાનું અલ્પેશભાઇએ જણાવેલ.

સીનેમા ગૃહોનો ભારતમાં વાર્ષિક વેપાર રપ થી ૩૦ હજાર કરોડની આસપાસનો હોવાનો અંદાજ છે. જેમાંથી છેલ્લા ૬ મહિનાથી થીયેટરો બંધ હોવાથી માલીકોને ૧પ હજાર કરોડ જેટલું અને દેશની આવકમાં ૪ હજાર કરોડનું જીએસટીનું નુકશાન થયું છે.

સાથો-સાથ સીનેમા ઘરો કયારે ખુલે અને ખુલ્યા પછી કયારે રાબેતા મુજબ ચાલે તે કાંઇ અંદાજો ન હોવાથી પરિસ્થિતિ વધુને વધુ વિકટ બની શકે છે. અલ્પેશભાઇએ જણાવેલ કે મારે પણ એક વર્ષ ન થયું હોવાથી છટણીનો ભોગ બનવું પડયું છે.

(4:05 pm IST)