મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

છ મહીને વારાણસીમાં સંકટમોચન મંદિરના દર્શન ખુલ્લા મુકાતા દર્શનાર્થીઓ અધિરા

સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે ૧૦-૧૦ ને પ્રવેશ

વારાણસી તા. ૨૧ : ૧૮૧ દિવસ પછી વારાણસીના સંકટમોચન મંદિરના દરવાજા ખુલી ગયા છે. ભાવિકો ભાવવિભાર બનીને દર્શન માટે લાઇનો લગાવી રહ્યા છે. જો કે સરકારી ગાઇડ લાઇનના ચુસ્ત પાલન માટે મંદિર વ્યવસ્થાપકો દ્વારા કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.

પહેલા કાશી વિશ્વનાથ, પછી કાળ ભૈરવ અને હવે સંકટમોચન મંદિર પણ ખુલ જતા દર્શનના અભિલાષિઓમાં રાહત પ્રસરી છે.

સંકટ મોચન મંદિરના મહંતશ્રી વિશ્વંભરનાથ મિશ્રએ જણાવ્યુ છે કે રવિવારે સવારે ૪ વાગ્યે મંગળા આરતીથી મંદિરના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ૧૦ - ૧૦ ની મર્યાદામાં દર્શનાર્થીઓને પ્રવેશ અપાઇ રહ્યો છે. ફુલ કે પ્રસાદ ચડાવવાની મનાઇ છે. પ્રવેશદ્વાર પાસે સેનીટાઇઝર, નર્મલ સ્કેનીંગની વ્યવસ્થા છે. સમયાંતરે સમગ્ર મંદિરને સેનીટાઇઝ કરવામાં આવશે.

વિંધ્યક્ષેત્રમાંથી આવેલ રાજન તિવારીએ જણાવેલ કે બાબાના દર્શન કરવા લોકો વ્યાકુળ હતા. આજે દર્શન કરીને સૌએ રાહત મેળવી છે. વિનોદ પાલે જણાવેલ કે છ મહીના પછી દર્શનનો લ્હાવો મળતા ગદગદીત થઇ ઉઠયો છુ.

જો કે માસ્ક, સેનીટાઇઝર જેવા નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યુ છે. ખાસ વોચ ટાવર ગોઠવીને સમગ્ર મંદિર ઉપર નજર રાખવામાં આવી રહી છે.

(11:34 am IST)