મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

આવતા મહિનાથી ટીવીના ભાવ વધશે

ઓપન સેલ પર ૫ આયાત ડ્યૂટી લાગુ થશે : સ્થાનિક ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા માટે એક વર્ષ સુધી અપાયેલી રાહત હવે પૂરી થશે

નવી દિલ્હી,તા.૨૧ : ટીવી ઉત્પાદન માટે ઉપયોગમાં લવાતા ઓપન સેલની આયાત પર ૧ ઓકટોબરથી ૫ ટકા ડ્યૂટી ફરીથી લાગુ કરવામાં આવશે તેમ નાણામંત્રાલયના સૂત્રોએ કહ્યું હતુ. તેને કારણે ટીવીના ભાવમાં થોડો વધારો થઇ શકે છે. આ આયાત ડ્યૂટી પર એક વર્ષ માટે રાહત આપવામાં આવી હતી જે પૂરી થઇ રહી છે.

સરકારે ગયા વર્ષે ઓપન સેલ પર કસ્ટમ્સ ડ્યૂટીમાંથી એક વર્ષ મટે મુકિત આપવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે સ્થાનિક ઉદ્યોગોએ અહીં ઉત્પાદન માટે સમય માગ્યો હતો. આ સમયમર્યાદા પૂરી થઇ રહી હોવાથી ૧ ઓકટોબરથી ઓપન સેલની આયાતા પર ૫ ટકા ડ્યૂટી ફરીથી લાગુ થઇ જશે.

સૂત્રોએ કહ્યું કે ટેલિવિઝન અને તેના પાર્ટ્સના ફેઝડ મેન્યુફેકચરિંગ પ્લાન PMP અંતર્ગત આ પગલું લેવાઇ રહ્યું છે, જેથી ભારતમાં માત્ર ટીવી એસેમ્બલિંગનું જ કામ ન થાય અને સંપૂર્ણ ટીવી ઉત્પાદન પણ થઇ શકે. સૂત્રોએ કહ્યું હતું કે કાયમને માટે આયાત પર નિર્ભર ન રહેવું જોઇએ.

ગત વર્ષ સુધી રૂ. ૭૦૦૦ કરોડના મૂલ્યના ટીવીની આયાત થતી હતી. સરકારે ટીવી ઉદ્યોગને કસ્ટમ્સ ડ્યૂટી સ્ટ્રકચરમાં રાહત કરી આપી હતી. ડિસેમ્બર ૨૦૧૭થી ટીવીની આયાત ડ્યૂટી વધારીને ૨૦ ટકા કરી દેવાઇ છે. એટલુંજ નહીં. આ વર્ષે ઓગષ્ટથી ટીવીની આયાતને અંકુશ હેઠળ મૂકી દેવાઇ છે. જેથી સ્થાનિક ઉત્પાદનને બળ મળે અને પ્રોત્સાહન મળે અને આયાત સામે રક્ષણ પણ મળે.

જોકે ટીવી ઇન્ડસ્ટ્રીની દલીલ છે કે હાલમાં ફુલ્લી બિલ્ટ પેનલના ભાવ ૫૦ ટકા વધી ગયા છે આવા સંજોગોમાં ઓપન સેલ પર ૫ ટકા આયાત ડ્યૂટી લાગુ કરવાથી ટીવીના ભાવમાં ૪ ટકા જેવો વધારો થઇ શકે છે. તેમની દલીલ છે કે ૩૨ ઇંચનું ટીવી ઓછામાં ઓછું રૂ. ૬૦૦ જેવું મોંઘુ થઇ શકે છે. અને ૪૨ ઇંચનું ટીવી રૂ. ૧૨૦૦-૧૫૦૦ મોંઘુ થઇ શકે છે. તેનાથી વધુ મોટા ટીવી વધુ મોંઘા થઇ શકે છે.

અગ્રણી ટીવી બ્રાન્ડસ ૩૨ ઇંચના ટીવી માટે રૂ. ૨૭૦૦ના ભાવના ઓપન સેલની આયાત કરે છે. અને ૪૨ ઇંચના ટીવી માટે રૂ. ૪૦૦૦-૫૦૦૦ના ભાવના ઓપન સેલની આયાત કરે છે. ૫ ટકા ડ્યૂટી લાગુ કરવાથી રૂ. ૧૫૦-૨૫૦થી વધારે ડ્યૂટી ન થાય.

ટીવી મેન્યુફેકચરર્સ વર્ષે રૂ. ૭૫૦૦ કરોડના મૂલ્યના પાર્ટ્સની આયાત કરે છે. આયાત ડ્યૂટી લાગુ કરવાથી ઘર આંગણે આ પાર્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તેમ સૂત્રએ ઉમેર્યુ હતું.

(11:33 am IST)