મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

અનલોક-૪.૦માં આજથી વધુ રાહતો : કાર્યક્રમોમાં ૧૦૦ લોકો સામેલ થઇ શકશે

કોરોના કાળમાં અર્થતંત્રને દોડતુ કરવા વધુ રાહતનો અમલ : આજથી અમુક રાજ્યોમાં શાળા - કોલેજો શરૂ : ૨૦ જેટલી કલોન ટ્રેનો પાટા પર દોડી

નવી દિલ્હી તા. ૨૧ : કોરોના પ્રકોપ ઘટવાનો નામ નથી લેતો પરંતુ દેશની અર્થવ્યવસ્થાને ધ્યાને રાખી સરકાર ધીમે ધીમે પ્રતિબંધો હટાવી રહી છે. અનલોક-૪.૦ હેઠળ આજથી અનેક પ્રકારનો છુટછાટો અમલી બની છે જે હેઠળ આજથી લગ્ન અને અંતિમ સંસ્કારમાં ૧૦૦ લોકો સામેલ થઇ શકે છે. આ સિવાય આજથી અમુક રાજ્યોમાં શાળાઓ શરૂ થઇ છે એટલું જ નહિ ૨૦ જેટલી કલોન ટ્રેનો પણ આજથી પાટા પર દોડતી થઇ છે. અમુક રાજ્યોમાં આજથી શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. પર્યટકો માટે આજથી તાજ મહાલ સહિત કેટલાક પર્યટન સ્થળો અને જાણીતા મંદિરો પણ આજથી ખુલ્યા છે.

કોરોનાના વઘતા મામલાઓ વચ્ચે દેશ ઝડપથી અનલોક મોડમાં જઇ રહ્યો છે. હાલ અનલોક-૪ ચાલી રહ્યો છે જે હેઠળ તમામ પ્રકારની ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. અનલોક-૪.૦ પહેલી સપ્ટેમ્બરથી લાગુ થયું હતું. જેમાં ૨૦મી સુધી પ્રતિબંધો જાહેર થયા હતા. આજથી છૂટછાટો મળશે તેવી જાહેરાત થઇ હતી.

દેશમાં કેટલાક રાજ્યોમાં આજથી શાળા-કોલેજો શરૂ થઇ છે તો ૨૦ જેટલી ટ્રેનો પણ રેલવે યાત્રીઓની સુવિધા માટે પાટા પર દોડતી થઇ છે. આની સાથોસાથ સૌથી મોટી રાહત એવા લોકોને મળવાની છે જેમને ત્યાં કાર્યક્રમ જવા જઇ રહ્યો છે. આજથી તમામ પ્રકારના કાર્યક્રમોમાં લોકોને સામેલ થવાની સીમા વધારીને ૧૦૦ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં જણાવ્યું હતું કે સામાજિક - શૈક્ષણિક - રમતગમત - મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં ૨૧મીથી વધુમાં વધુ ૧૦૦ વ્યકિતની સામેલગીરીની છૂટ આપવામાં આવશે. એટલે કે હવે ૧૦૦ લોકો કોઇ કાર્યક્રમમાં જોડાઇ શકશે. અત્યાર સુધી આ પરવાનગી માત્ર ૫૦ લોકોની જ હતી. જેને કારણે લોકોને મુશ્કેલી પડતી હતી.

ભારતીય રેલવેએ આજથી કેટલાક રૂટ પર ટ્રેનો શરૂ કરી છે. આ ટ્રેનો શ્રમિક સ્પેશ્યલ અને સ્પેશ્યલ ઉપરાંતની હશે. જે યુપી, બિહાર, દિલ્હી, પંજાબ સહિત અનેક રાજ્યો વચ્ચે દોડશે.

આજથી અનેક રાજ્યોમાં શાળા-કોલેજો શરૂ થયા છે. ૯ થી ૧૨માં ધોરણ સુધીના વર્ગો ખોલવાની સરકારે પરવાનગી આપી હતી. કન્ટેટનમેન્ટ ઝોન સિવાય ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ સ્કુલે જઇ શકશે. જો કે વાલીઓની લેખીત પરવાનગી જરૂરી છે.

આગ્રાનો કિલ્લો અને તાજ મહાલ આજથી પર્યટકો માટે ખુલ્યો છે. જો કે નિયમોનું પાલન કરવાનું રહેશે. ૧૮૮ દિવસ બાદ તાજ મહાલ ખુલ્યો છે.

જો કે હજુ સિનેમા હોલ, સ્વિમીંગ પુલ, મનોરંજન પાર્ક, ઇન્ટેરનેશનલ હવાઇ યાત્રા પર પ્રતિબંધ ચાલુ રહેશે.

(10:19 am IST)