મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

ચીની સરહદ પાસે ૬ નવા શિખરો પર સેનાનો કબજો

ચીન ભારતની સફળતાથી હેરાન-પરેશાન : ચીનની સેના ત્યાં પર પોતાની પહોંચ બનાવે તેની પહેલા ભારતીય જવાનોએ કેમ્પ લગાવી દીધા : રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી, તા.૨૦ : પૂર્વી લદ્દાખમાં ભારતીય સેનાથી માત ખાધા બાદ ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી ગુસ્સામાં છે. બંન્ને દેશો વચ્ચે આગામી રાઉન્ડની સૈન્ય વાતચીત થઈ શકી નથી કારણ કે ચીને તારીખ નક્કી કરી નથી. તેનું બેચેન થવાનું કારણ તે છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં સેનાએ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર છ નવી ઉંચાઈઓ સુધી પહોંચ બનાવી લીધી છે. આ પહાડી વિસ્તાર સુધી ચીની સેના પણ પહોંચવા ઈચ્છતી હતી પરંતુ ભારતે ચતુરાઇ દેખાડી હતી. ૨૯ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે, સેનાના જવાનોએ નજરમાં આવ્યા વગર આ છ મુખ્ય હિલ ફીચર્સને પોતાના કંટ્રોલમાં કરી લીધી. ભારતીય સેનાએ ૨૯ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે છ નવી ઉંચાઇઓ સુધી પહોંચ બનાવી લીધી છે. મગર હિલ, ગુરૃંગ હિલ, રેચિન લા, રેજાંગ લા, મોખપરી અને ફિગર ૪ની પાસેની ઉંચાઈઓ પર આપણા જવાન હાજર છે.

                 આ જગ્યા ખાલી પડી હતી અને ચીની સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા ભારતીય જવાનોએ રણનીતિક લીડ હાસિલ કરી લીધી છે. સૂત્રો પ્રમાણે, ઉંચાઈઓ પર પહોંચવામાં નિષ્ફળ ચીનીઓની હતાશાને કારણે સરહદ પર લાંબા સમય બાદ ગોળીઓ ચાલી હતી. પેન્ગોંગ ઝીલના દક્ષિણી કિનારા પર હવામાં ફાયરિંગની ઓછામાં ઓછી ત્રણ ઘટનાઓ થઈ હતી. સૂત્રોએ સ્પષ્ટ કર્યુ કે, બ્લેક ટોપ અને હેલમેટ ટોપ એલએએસીની તે પાર છે. ભારતીય જવાન જ્યાં છે, તે વિસ્તાર એલએએસીની તે તરફ આવે છે. ભારતની આ કાર્યવાહી બાદ ચીની સેનાએ ૩૦૦૦ વધારાના સૈનિકોની તૈનાતી રેજાંગ લા અને રેચિન લાની પાસે કરી છે. તેમાં પીએલએની ઇન્ફેન્ટ્રી અને એક્ટિવેટ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીની સેનાએ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. ચીન તરફથી વાતચીતથી કોઈ સકારાત્મક પ્રગતિ થઈ નથી. ચીની સેના તરફથી વચ્ચે-વચ્ચે અતિક્રમણનો પ્રયાસ થતો રહે છે. ત્યારબાદ ભારતીય સેના સતત ઓપરેશન કરી રહી છે જેમાં રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ ઉંચાઈઓ સુધી પહોંચ બનાવી છે. આ ઓપરેશનનું મોનિટરિંગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે કરી રહ્યા છે.

(12:00 am IST)