મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

અમેરિકામાં કેમ્પસ ખોલનાર કોલેજોએ કોરોના વકરાવ્યો

અમેરિકામાં ચેતવણીની ખુલ્લેઆમ અવગણના : એક યુનિ.માં ૨૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ બિમાર થયા

વોશિંગ્ટન, તા. ૨૦ : અમેરિકાના કોલેજ કેમ્પેસ સરકારી અવગણના સાથે ખોલી નખાતા કોરોનાની સ્થિતિ વકરી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી હજારો વિદ્યાર્થીઓ કોરોનાના ચેપના શિકાર થયા હતા. એક યુનિવર્સિટીમાં તો ૨૮ હજારથી વધુ વિદ્યાર્થી બીમાર થઈ ગયાં છે. ઈલિનોઈસ યુનિવર્સિટીમાં ફિઝિક્સના બે સંશોધકો નાઈજેલ ગોલ્ડનફેલ્ડ અને સર્જેઈ માસલોવે કેમ્પસ માટે એક મોડલ તૈયાર કર્યુ હતું. આ અંતર્ગત સપ્તાહમાં બે દિવસ વિદ્યાર્થીઓ અને સંપૂર્ણ સ્ટાફનું ટેસ્ટિંગ, માસ્ક પહેરવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે એપના ઉપયોગની જોગવાઈ હતી. આ ઉપાયોથી ૪૬ હજાર લોકોના કેમ્પસમાં ચેપને ૫૦૦ લોકો સુધી મર્યાદિત રાખી શકાશે. પણ આ મોડલ નિષ્ફળ રહ્યું. ૧૬મી ઓગસ્ટે કેમ્પસ ખૂલવા અને ૧૩ સપ્ટેમ્બર વચ્ચે યુનિવર્સિટીમાં કોવિડ-૧૯ના ૧૮૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે. પહેલા સપ્તાહમાં એક હજાર લોકો ચેપગ્રસ્ત થયા હતા. ગોલ્ડનફેલ્ડ કહે છે કે વિદ્યાર્થીઓ પોતાને અલગ ન રાખી શક્યા.

દેશમાં અનેક કોલેજોએ વિદ્યાર્થીઓને કેમ્પસમાં પાછા લાવવા પગલાં ભર્યાં છે. અમુક કોલેજોએ કમ્પ્યૂટર મોડલથી જોયું કે કોવિડ-૧૯ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પર શું અસર કરશે. પણ ઈલિનોય યુનિવર્સિટી સમાન આ મોડલ અનુમાન પર આધારિત હતા. એટલા માટે અંતે ખોટા સાબિત થયા છે. અમુક મામલે યુનિવર્સિટીના અધિકારીઓએ સાવચેતીથી ઉપયોગ કરવાની ભલામણોને નેવે મૂકી દીધી. મોડલોમાં દર્શાવાયું કે નિયંત્રણનાં પગલાં ન ભરવાનાં પરિણામ શું હશે? તેમ છતાં તેના પર ધ્યાન ન અપાયું. બંને સ્થિતિમાં અમેરિકાના કોલેજ કેમ્પસ કોવિડ-૧૯ વાઈરસનું નવું ઠેકાણું સાબિત થયા છે. અમુક શૈક્ષણિક સંસ્થાનોની સ્થિતિ પર નજર કરો. સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સિટીમાં ૮ ઓગસ્ટ પછી ૨૮૬ કેસ સામે આવી ચૂક્યા છે. ટેક્સાસ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં ઓગસ્ટ મહિનામાં ૬૦૦ અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ૨૧૨ કેસ સામે આવ્યા છે. આયોવા યુનિવર્સિટીમાં ૧૮ ઓગસ્ટથી ૯ સપ્ટેમ્બર વચ્ચે ૧૭૩૨ કેસ આવી ચૂક્યા હતા. સાઉથ કેરોલિના યુનિવર્સિટીમાં એક ઓગસ્ટ પછી ૨૦૭૪ કેસ મળ્યા છે. અનેક કોલેજોએ વિદ્યાર્થીઓને ઘરે પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે. ઈલિનોય યુનિવર્સિટીએ ૨ સપ્ટેમ્બરથી બે અઠવાડિયાનું લૉકડાઉન લાગુ કર્યુ હતું. પેન સ્ટેટ યુનિવર્સિટીએ ચેપની ચેતવણીની અવગણના કરી હતી. ત્યાં હજારો વિદ્યાર્થીઓ બીમાર થઈ ગયા હતા. નોત્રે ડેમ યુનિવર્સિટીએ પ્રોફેસર એડવિન માઈકલના ચેપ ફેલાવાના મોડલ પર કોઈ ધ્યાન આપ્યું નહીં. ત્યાં ૬૪૨ વિદ્યાર્થી ચેપની લપેટમાં આવ્યા હતા. જ્યોર્જિયા યુનિવર્સિટીમાં ચેપી રોગના સેન્ટરના ડિરેક્ટર જોન ડ્રેકે કેમ્પસ શરૂ કરવા પર ૩૦ હજારથી વધુ લોકોના ચેપગ્રસ્ત થવાની આગાહી કરી હતી. કોઈએ તેમના મોડલ પર ધ્યાન ન આપ્યું.

(9:48 pm IST)