મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

દેશમાં ઈન્ટરનેટ યુઝર્સ વધ્યા, માર્ચ સુધીમાં ૭૪.૩૦ કરોડ

૨૩.૬ ટકા શેર સાથે એરટેલ બીજા સ્થાને : ૫૨ ટકા માર્કેટ હિસ્સા સાથે જિઓ દેશમાં પ્રથમ નંબરે

નવી દિલ્હી, તા. ૨૦ : ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા માર્ચ ૨૦૨૦ના અંતે વધીને ૭૪.૩ કરોડ થઈ ગઈ છે. ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે માર્ચ મહિના સુધીમાં બજારમાં ૫૨ ટકા શેર સાથે રિલાયન્સ જિઓ પહેલા સ્થાને અને ૨૩.૬ ટકા શેર સાથે ભારતી એરટેલ બીજા સ્થાને છે. વોડાફોન આઈડિયા ત્રીજા ક્રમે છે.જેની ઈન્ટરનેટ માર્કેટમાં હિસ્સેદારી ૧૮.૭ ટકા રહી છે.

ટ્રાઈના કહેવા પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ કરતા લોકોની સંખ્યા ૭૧.૮ કરોડ રુપિયા હતી.જે માર્ચ ૨૦૨૦માં વધીને ૭૪.૩ કરોડ થઈ છે.જેમાં વાયરસેલ ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ૭૨.૦૭ કરોડ છે.જ્યારે કેબલ સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા ૨.૨૪ કરોડ રહી છે. કુલ ઈન્ટરનેટ ગ્રાહકોમાથી ૯૨.૫ ટકા બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે.આવા ગ્રાહકોની સંખ્યા ૬૮.૭૪ કરોડ છે.આ સંખ્યા ડિસેમ્બર મહિનામાં ૮૮.૧૯ કરોડ હતી. ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના કહેવા પ્રમાણે ઈન્ટરનેટ ગ્રાહકો પૈકી ૯૭ ટકા ગ્રાહકો ઈન્ટરનેટ માટે મોબાઈલનો ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા રાજ્યોમાં ૬.૩ કરોડ ગ્રાહકો સાથે મહારાષ્ટ્ર પહેલા સ્થાને, ૫.૮ કરોડ ગ્રાહકો સાથે તેલંગાણા અને આંધ્રપ્રદેશ બીજા સ્થાને, ૫.૪૬ કરોડ ગ્રાહકો સાથે યુપી ત્રીજા અને ૫.૧ કરોડ ગ્રાહકો સાથે તામિલનાડુ ચોથા સ્થાને છે.જ્યારે મધ્ય્ પ્રદેશ અને છત્તીસગઢમાં મળીને ૪.૮ કરોડ ગ્રાહકો છે.

(9:47 pm IST)