મુખ્ય સમાચાર
News of Friday, 21st September 2018

મિશન ૨૦૧૯ : ધામધૂમથી ઉજવાશે સર્જિકલ સ્‍ટ્રાઇલની બીજી વર્ષગાંઠ

સરકારી સ્‍તરે મોટાપાયે આયોજન થશે : સાથે સાથે દેશભરની તમામ શાળાઓ અને કોલેજોમાં સર્જિકલ સ્‍ટ્રાઇલ સંબંધીત સમારોહનું પણ આયોજન કરવામાં આવશે

નવી દિલ્‍હી તા. ૨૧ : મોદી સરકાર સર્જિકલ સ્‍ટ્રાઈકની બીજી વરસી ધામધૂમથી ઉજવણી કરશે. આ માટે સરકારી સ્‍તરે મોટાપાયે આયોજન થશે, સાથે સાથે દેશભરની તમામ શાળાઓ અને કોલેજોમાં સર્જિકલ સ્‍ટ્રાઈક સંબંધીત સમારોહનું પણ આયોજન કરવામાં આવશે. ૨૯ સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાન વિરુદ્ધ કરાયેલી સર્જિકલ સ્‍ટ્રાઈક અને આતંકવાદ પર જીતની ઉજવણી કરવામાં આવશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા દેશવાસીઓમાં રાષ્ટ્રવાદની ભાવના વધુ મજબુત કરવા માટે મોદી સરકાર અને ભાજપ સર્જિકલ સ્‍ટ્રાઈકની બીજી વરસીના બહાને સેનાના પરાક્રમની ચર્ચા કરશે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં અંગત રસ લેશે. PMOએ રક્ષા મંત્રાલય, માનવ સંશાધન, સૂચના અને પ્રસારણ તથા શ્રમ મંત્રાલયને આ સમારોહને દેશભરમાં પહોંચાડવાના નિર્દેશ આપ્‍યાં છે. દેશની લગભગ એક હજાર શિક્ષણ સંસ્‍થાનોમાં ૨૯ સપ્‍ટેમ્‍બરના રોજ કાર્યક્રમો થશે અને વિદ્યાર્થીઓને સેનાના પરાક્રમ વિશે જણાવવામાં આવશે. આ કાર્યક્રમોમાં દેશની રક્ષા માટે સેનામાં શામેલ થવા માટે પણ પ્રોત્‍સાહન આપવામાં આવશે.

PMOએ કહ્યું છે કે, આવા કાર્યક્રમોથી નવી પેઢીમાં દેશ પ્રત્‍યે કંઈ કરવાનું જોશ જગાડી શકાય છે, જેથી તેઓ સેનામાં જવા પ્રેરાઈ શકે છે. માત્ર મંત્રાલયો જ નહીં પરંતુ ભાજપ પણ દેશભરમાં આ કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી કરવાનું આયોજન કરી રહી છે.

આ કાર્યક્રમોમાં એ પણ જણાવવામાં આવશે કે, પીએમ મોદીનું મજબુત નેતૃત્‍વ રાષ્ટ્રીય સુરક્ષા મામલે કેટલું અસરકારક સાબિત થયું છે. જોકે આ આયોજનને બિનરાજકીય ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેનાથી જે મેસેજ મળશે તેનો સીધો લાભ સરકાર અને ભાજપને મળશે તે સ્‍વાભાવિક છે. એવી પણ શક્‍યતાઓ છે કે, પીએમ મોદી આ દિવાળીની ઉજવણી પણ સેનાના જવાનો સાથે જ કરી શકે છે. છેલ્લા ચાર વર્ષથી મોદી દિવાળી સેનાના જવાનો વચ્‍ચે જ ઉજવે છે.

(10:27 am IST)