મુખ્ય સમાચાર
News of Tuesday, 21st August 2018

ગેરકાયદેસર રીતે વસવાટ કરતા સંતાનો અંગે ડાકાનો જે પ્રોગ્રામ કાર્યવંત હતો તેને તાત્‍કાલીક અસરથી રદ કરવા માટે ટેક્ષાસ રાજયના સત્તાવાળાઓએ નામદાર ન્‍યાયાધીશની અદાલતના દ્વારા ખખડાવતા ઓગષ્‍ટ માસની ૮મી તારીખના રોજ તે કેસની સુનાવણી હાથ ધરવામાં આવીઃ અને બંન્‍ને પક્ષોએ પોતાની દલીલો રજુ કરીઃ વોશીંગટનના નામદાર ન્‍યાયાધીશ સાહેબે આ ડાકાનો પ્રોગ્રામનો અમલ ચાલુ રાખવાનો કરેલો હુકમઃ કાયદાની આટાપાટાની રમતમાં આ પ્રોગ્રામનું ભાવી અંધકારમય હોય તેવો અહેસાસ સૌ લોકો અનુભવી રહ્યા છેઃ ચુંટાયેલા સર્વોચ્‍ચ નેતાઓને આ અંગે કયારે સાચુ જ્ઞાન થશે તેની સમગ્ર જગ્‍યાએ ચર્ચાઓ ચાલી રહેલ છે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ડીફર્ડ એકસન ફોરચાઇલ્‍ડહુડ  એરાયલ્‍સ કે જે સમગ્ર અમેરીકામાં ડાકાના હૂલામણા નામથી ઓળખાય છે તે સમગ્ર પ્રોગ્રામ હાલમાં કાયદાની નાગચુડમાં એવો ફસામેલો છે કે તે અંગે ભીન્‍ન ભીન્‍ન કોર્ટમાં અલગ પ્રકારના ચુકાદાઓ આવેલ છે અને તાજેતરમાં જે ત્રણ કોર્ટોના ચુકાદાઓ આવેલ છે તેમાં આ પ્રોગ્રામને રદ કરી શકાય નહીં અને વોશીંગ્‍ટન ડી.સીના નામદાર ન્‍યાયાધીશ તો ડાકાના પ્રોગ્રામને અમેરીકાના પ્રમુખે ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસમાં રદ કરતો જે વહીવટી હૂકમ બહાર પાડેલ હતો તેને રદ કરી ઓગષ્‍ટ માસની ૨૩મી તારીખ સુધીમાં જો હૂકમ સામે કોઇ કાર્યવાહી હાથ ન ધરવામાં આવે તો તેનો અમલ તે દિવસથી તુરતમાંજ શરૂ કરવાનો હૂકમ કરેલ છે આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્‍યાં સુધીમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્ર દ્વારા આ હૂકમ સાથે ઉપલી અદાલતની કોઇ પણ પ્રકારની કાર્યવાહી થઇ નથી માટે ઓગષ્‍ટ માસની ૨૩મી તારીખને ગુરૂવારથી આ ડાકાનો પ્રોગ્રામ રદ કરતો જે વહીવટી હૂકમ બહાર પડેલ તેને બાજુએ હડસેલી મુકીને ડાકાનો પ્રોગ્રામ કાર્યવંત બની જશે અને તેની સાથે સાથે આ પ્રોગ્રામ અંગે નવી અરજીઓ પણ સ્‍વીકારવામાં આવશે કારણકે નામદાર ન્‍યાયાધીશે તે મુજબનો નિર્દેશ પોતાના ચુકાદામાં કરેલ છે.     

 ઓગષ્‍ટ માસની ૮મી તારીખને બુધવારે ટેક્ષાસમાં આવેલ યુએસ ડીસ્‍ટ્રીકટ જજ એન્‍ડ્રુ હનન સમક્ષ ગયા મે માસમાં ટેક્ષાસ રાજયના અધીકારીઓ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો અને તેમાં ડાકાના પ્રોગ્રામને તાત્‍કાલીક અસરથી રદ કરવા માટે અરજ ગુજારવામાં આવેલ છે અને તે કાયદેસરનો પણ નથી કારણ કે તે વખતના પ્રમુખે પોતાની સત્તા બહાર જઇને આ પ્રોગ્‍યમ બહાર પાડેલ છે માટે તે ગેરકાયદેસર છે અને તે ચાલુ રહેતો રાજયને પારાવાર રીતે નાણાં કીય મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે માટે તેનો તુરતમાંજ અંત લાવવો જોઇએ એવી માંગણી કરવામાં આવી હતી અને તે કેસની સુનાવણી આઠમી ઓગષ્‍ટે હાથ ધરવામાં આવી હતી.

નામદાર ન્‍યાયાધીશે બંન્‍ને પક્ષોની દલીલો શાંતિથી સાંભળી હતી અને તે અંગેની જરૂરી નોંધ પણ આ કેસ અંગે અલગ રીતે કરી હતી. નાની વયના સંતાનો પોતાના પરિવારના સભ્‍યો સાથે અમેરીકામાં વર્ષોથી ગેરકાયદેસર રીતે આવ્‍યા હતા અને તે સમગ્ર લોકો અંધકારમય જીવન પસાર કરતા હતા કારણ કે જો જાહેરમાં તેઓ આવે અને સત્તાવાળાઓ તેમની ધરપકડ કરીને તેઓને દેશ નિકાલ પણ કરે એવો ડર તેઓને કાયમી રીતે સતાવતો હતો આથી તેઓ ભૂગર્ભમાં રહીને પોતાનું જીવન પસાર કરતા હતા.

તે વખતના અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાએ કોંગ્રેસના ચુંટાયેલા નેતાઓને ઇમીગ્રેશના કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરી અમેરીકામાં તે સમયે એક અંદાજ અનુસાર ૧૧ મીલીયન જેટલા લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેઓના માટે યોગ્‍ય પગલા ભરવા વિનંતી કરી હતી અને તે અંગે કોઇ પણ પ્રકારના પગલા ન ભરાતા આવા લોકોને દેશ નિકાલ ન થવું પડે તે માટે ૨૦૧૨ની સાલમાં એક ડાકાનો પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્‍યો હતો અને તેનો આઠ લાખ જેટલા લોકોએ લાભ લઇ વર્ક પરમીટ પણ મેળવી હતી. અને તેની સાથે સાથે તેમણે વધુ અભ્‍યાસ પણ શરૂ કરી જરૂરી જ્ઞાન પણ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી પરંતુ ૨૦૧૭ના વર્ષની શરૂઆતમાં પ્રમુખ બરાક ઓબામાની સત્તા પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સતાના સૂત્રો હસ્‍ત ગત કર્યા બાદ ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસ દરમ્‍યાન એક વહીવટી હૂકમ બહાર પાડીને આ ડાકાના પ્રોગ્રામને રદ કરતું જાહેરનામુ બહાર પાડતા તમામ લોકો વિપરિત પરિસ્‍થિતિમાં મુકાઇ જવા પામ્‍યા હતા.

અમેરીકાના પ્રમુખે જે જાહેરનામું બહાર પાડેલ તે અંગે કેલીફોર્નિયા, વોશીંગન તેમજ ન્‍યુયોર્કના દ્વારે પહોંચ્‍યા હતા અને ત્રણ કોર્ટના નામદાર ન્‍યાયાધીશોએ અમેરીકાના પ્રમુખના જાહેરનામાનો થતો અમલ અટકાવી દિવેલ છે અને બે અઠવાડીયા પહેલો વોશીંગટનના નામદાર ન્‍યાયાધીશો ડાકાના પ્રોગ્રામનો અમલ શરૂ કરવાનો ચુકાદો આપેલ છે અને જો સત્તાવાળાઓ આ અંગે આગળની કોઇ પણ પ્રકારની કાર્યવાહી હાથ ન ધરે તો તે તારીખથી તેનો અમલ સંપૂર્ણ પણે કાર્યવંત બનશે.

ગયા મે માસમાં ટેક્ષાસના સત્તાવાળાઓએ ડાકાનો પ્રોગ્રામ રદ કરવા માટે તે રાજયની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો અને આ ડાકાના પ્રોગ્રામના અમલથી રાજયને નાણાંકીય રીતે ભારે સહન કરવું પડે છે તેમજ આ પ્રોગ્રામના અમલથી ફેડરલ કાર્યવાહીનું ઉલ્લંધન થાય છે એવું જણાવ્‍યુ હતુ આ અંગે નામદાર ન્‍યાયાધીશો બંન્‍ને પક્ષોને પોતાનો કેસ રજુ કરવા જણાવ્‍યુ હતુ પરંતુ ટેક્ષાસ રાજયના સત્તાવાળાઓ પોતાને નાણાંકીય રીતે સહન કરવું પડે છે તે અંગે ચોક્કસ પુરાવાઓ આજ દિન સુધી કોર્ટમાં તેઓ રજુ કરી શકયા નથી.

આથી આ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ સાહેબે નાણાંકીય રીતે રાજયને કઇ રીતે સહન કરવું પડે છે તેમજ તે સમયના પ્રમુખ બરાક ઓબામાએ ડાકાનો જે પ્રોગ્રામ શરૂ કરેલ છે તે ફેડરલ કાર્યવાહીઓનું ઉલ્લંધન કરે છે તે અંગે પોતાનો ચુકાદો આપવાનો રહેશે.

આ કોર્ટનો ચુકાદો ગમે તે આવે પરંતુ આ કેસ ભવિષ્‍યમાં એપલેટ કોર્ટ અને ત્‍યાર બાદ સુપ્રીમ કોર્ટના દ્વારે અવશ્‍ય રીતે પહોંચશે ત્‍યારે તે અંગે કેવો ચુકાદો આવશે તે તો આવનારો સમયજ કહેશે.

આવતા નવેમ્‍બર માસની છઠ્ઠી તારીખના રોજ સમગ્ર હાઉસના પ્રતિનિધિઓ અને નિવૃત થતા સેનેટરોની ખાલી પડતી જગ્‍યાઓ માટે ચુંટણી થનાર છે અને તે રાત્રેજ તેનું પરિણામ પણ બહાર આવી જશે અને તેમાં હાઉસ અને સેનેટની હહુમત કોના હાથમાં રહેશે તેના પર આ સમગ્ર બીનાનો આધાર રહેલો છે. રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓના હાથમાંથી સત્તાજતી રહેશે તો પછી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વલણ કેવા પ્રકારનું રહેશે તે કહેવુ મુશ્‍કેલ છે. હજુ તો મધ્‍યવર્તી ચુંટણીને આજથી ૮૦ દિવસ જેટલો સમય છે પરંતુ હવે પ્રમુખથી કાયદાકીય લડાઇ લડી લેવાના મુડમાં છે અને તેનો ઉકેલ તે દ્વારા લાવવા માંગે તો નવાઇની વાત નથી. ટેક્ષાસ કોર્ટનો ચુકાદો શુ આવશે તેના પર સૌની નજર મંડાયેલી જોવા મળે છે.

(10:05 pm IST)