મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

ઇમરાન ખાનની કાલે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ મંત્રણા થશે

અમેરિકા પહોંચતા ભવ્ય સ્વાગત ન થતાં મજાક : ત્રણ દિવસની સત્તાવાર યાત્રા ઉપર ઇમરાન ખાન પહોંચ્યા બાદ સ્વાગત માટે ટોપ લીડર ન પહોંચ્યા : વિવિધ કાર્યક્રમો

વોશિંગ્ટન, તા. ૨૧ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાની ત્રણ દિવસની સત્તાવાર યાત્રાએ પહોંચ્યા હતા. આવતીકાલે સોમવારના દિવસે ઇમરાન ખાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટહાઉસમાં વાતચીત કરનાર છે જે દરમિયાન અમેરિકી લીડરશીપ તાલિબાન સાથે શાંતિમંત્રણા હાથ ધરવાનો માર્ગ મોકળો કરવા અને પાકિસ્તાની જમીનથી સક્રિય રહેલા ત્રાસવાદી સંગઠનો અને આતંકવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા રજૂઆત કરશે. ઇમરાન ખાન અમેરિકા પહોંચ્યા બાદ ભવ્ય સ્વાગત ન થતાં તેમની ટિકા થઇ રહી છે. ટ્વિટર ઉપર મજાક થઇ રહી છે. ઇમરાન ખાન વડાપ્રધાન તરીકે પોતાના પ્રથમ અમેરિકી પ્રવાસે પહોંચ્યા છે. સ્વાગત માટે કોઇ મોટા ઓફિસરો ઉપસ્થિત રહ્યા ન હતા જેના કારણે ટ્વિટર ઉપર તેમની મજાક થઇ રહી છે. જો કે, અમેરિકા જવા માટે ઇમરાન ખાને કતાર એરવેઝની સામાન્ય કોમર્શિયલ ફ્લાઇટનો ઉપયોગ કર્યો હતો. તેઓ ત્રણ દિવસ માટે અમેરિકાના રાજકીય આવાસ ઉપર જ રોકાશે. ઇમરાન ખાનના અમેરિકા પહોંચવાના વિડિયો એક ટોચની સમાચાર સંસ્થાના ટ્વિટર એકાઉન્ટથી જારી કરવામાં આવ્યા છે જેના ઉપર યુઝરો દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. કેટલાકે વડાપ્રધાન સાથે આને ખરાબ વર્તન ગણાવીને આની ટીકા કરી છે. પાકિસ્તાની વડાપ્રધાનને ટ્રોલ કરનાર લોકો પર પ્રહાર કરતા ઓમર અબ્દુલ્લાએ અમેરિકાની ઝાટકણી કાઢી છે.

અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ઇમરાને પોતાના દેશના પૈસા બચાવી લીધા છે. ઇમરાન ખાન પોતાની સાથે ઇગો લઇને ચાલતા નથી. આવા નેતા તરીકેની છાપ તેમની ઉભરી રહી છે. ઇમરાન ખાનની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત થનાર છે જે દરમિયાન સંરક્ષણ, વેપાર અને અન્ય મુદ્દા પર ચર્ચા થશે. ચર્ચાને લઇને તમામનું ધ્યાન રહેશે. ઇમરાન ખાન વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાની અમેરિકન લોકોને સંબોધન કરશે. આ ઉપરાંત ૨૩મી જુલાઈએ યુએસ ઇન્સ્ટીટ્યુટ ઓફ પીસ થીંકટેંકને સંબોધશે. વિદેશમંત્રી પોમ્પિયોને પણ મળશે.

(9:31 pm IST)