મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

સોનભદ્ર હત્યાકાંડ : પીડિત પરિવારને ૧૮ લાખ મળશે

પીડિતોને મળવા માટે યોગી સોનભદ્રમાં પહોંચ્યા : ઉમ્ભા ગામ ખાતે પીડિત પરિવારોને મળીને ઉંડી તપાસની ખાતરી આપી : કોંગ્રેસના કારણે હત્યાકાંડ સર્જાયો : યોગી

સોનભદ્ર, તા. ૨૧ : ઉત્તરપ્રદેશની રાજનીતિમાં હાલના દિવસોમાં સોનભદ્ર હત્યાકાંડની ગુંજ જોવા મળી રહી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સોનભદ્ર પહોંચ્યા હતા. સાથે સાથે યોગીએ પીડિતોના પરિવારને ૧૮-૧૮ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. ઘટનાને રાજકીય કાવતરા તરીકે ગણાવીને કાવતરાખોરોની ઝાટકણી કાઢી હતી. સાથે સાથે ટૂંક સમયમાં જ દોષિતોને પકડી પાડવાની પણ વાત કરી હતી. સોનભદ્ર મામલામાં પત્રકાર પરિષદ યોજીને યોગીએ તમામ સહાયતા પીડિતોને આપવાની તથા દોષિતોને વહેલીતકે પકડી પાડવાની વાત કરી હતી. યોગીએ કહ્યું હતું કે, પીડિતોના ઘા ઉપર મલમપટ્ટી કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. આજે સવારે હત્યાકાંડગ્રસ્ત ઉમ્ભા ગામ પહોંચેલા યોગીએ પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી. મુલાકાત બાદ યોગીએ પત્રકાર પરિષદ યોજીને ઘટના અંગે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસની નીતિઓના પરિણામ સ્વરુપે આ હત્યાકાંડ સર્જાયો છે. સમાજવાદી પાર્ટીના નેતા સામેલ હોવાનો દાવો કરીને આ હત્યાકાંડને પૂર્ણરીતે રાજકીય કાવતરા તરીકે ગણાવીને વિરોધીઓની ઝાટકણી કાઢી હતી. ઘાયલ થયેલા લોકોને અઢી-અઢી લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા યોગીએ કહ્યું હતું કે, સોનભદ્રમાં આદિવાસીઓની જમીન કોંગ્રેસના તત્કાલિન એમએલસીના ટ્રસ્ટના નામ ઉપર ૧૯૫૫માં કરી દેવામાં આવી હતી. આ ઘટના કઇરીતે બની તેમાં તપાસ કરીને વિગત મેળવવામાં આવી રહી છે. ૧૯૮૯માં ટ્રસ્ટની જમીન પરિવારના સભ્યોના નામ ઉપર કરવામાં આવી હતી. કોંગ્રેસના પાપના લીધે આ ઘટના બની છે. જમીનનો ખેલ ૧૯૫૨-૫૩થી ચાલી રહ્યો હતો. સોનભદ્રમાં પીડિતોને મળવાના પ્રયાસ પ્રિયંકા ગાંધી પણ કરી ચુક્યા છે. ઉમ્ભા ગામના પીડિતોનો અવાજ ઉઠી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પણ આને લઇને રાજનીતિ રમી રહી છે. યોગીએ કહ્યું હતું કે, સોનભદ્રમાં જમીનની લૂંટ માટે જે ઘટના થઇ છે તેના માટે અપર મુખ્ય સચિવના નેતૃત્વમાં ત્રણ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી ચુકી છે. આ સંદર્ભમાં ઉડી તપાસ ચાલી રહી છે. કોંગ્રેસના લોકોએ સોનાંચલમાં જમીનોની લૂંટ ચલાવી છે. કોંગ્રેસના ચહેરા આદિવાસી તરીકેના રહેલા છે. યોગીએ કહ્યું હતું કે, જિલ્લામાં જંગલોની જમીનની લૂંટના તમામ મામલાઓમાં તપાસ થશે. યોગીએ એમ પણ કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટીના કાર્યકરો પણ આમા સામેલ રહી ચુક્યા છે. જેટલા પણ ભૂમાફિયા રહેલા છે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઇને છોડવામાં આવશે નહીં. એક વર્ષની અંદર સર્વે કરીને જુદી જુદી સુવિધાઓ સોનભદ્ર જિલ્લામાં ઉભી કરવામાં આવશે જેમાં પેન્શન, વિજળી કનેક્શન, ગેસ કનેક્શન, શૌચાલયોનો સમાવેશ થાય છે.

તપાસ કમિટિ ૧૦ દિનમાં વિસ્તૃત રિપોર્ટ સુપ્રત કરશે

હત્યાકાંડને લઇને રાજકીય ગરમી

સોનભદ્ર, તા. ૨૧ : ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ૧૦ લોકોની જધન્ય હત્યાના મામલામાં રાજનીતિ ગરમ બની રહી છે. એકબાજુ સોનભદ્રના પીડિતોને મળવા માટે જઇ રહેલા તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોને રોકી દેવામાં આવ્યા છે. બીજી બાજુ પ્રિયંકા ગાંધી વાઢેરાની પણ ગઇકાલે અટકાયત કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના કાર્યકરોના વિરોધ વચ્ચે આજે યોગી પહોંચ્યા હતા. સાથે સાથે પીડિત પરિવારોને વળતરના ચેક પણ સોંપ્યા હતા. આજે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન દેખાવ અને વિરોધ પ્રદર્શન કરી રહેલા સમાજવાદી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. યોગીએ કહ્યું હતું કે, હિંસા ફેલાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ ખૂની હત્યાકાંડમાં ૧૦ લોકોના મોત થયા હતા અને ૨૯ લોકો ઘાયલ થયા હતા. પ્રિયંકા વાઢેરા ઉપર પ્રહાર કરતા યોગીએ કહ્યું હતું કે, રાજકીય નાટકના પ્રયાસ થઇ રહ્યા છે. યોગીએ સમગ્ર વિવાદ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન વનવાસીઓની જમીનોને સોસાયટીના નામ ઉપર કરી દેવામાં આવી હતી. ત્રણ સભ્યોની સમિતિ ૧૦ દિવસમાં રિપોર્ટ આપશે ત્યારબાદ કાર્યવાહી થશે.

(7:55 pm IST)