મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

પૂર્ણ રાજકીય સન્માનની વચ્ચે શિલા દિક્ષીતના અંતિમસંસ્કાર

પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીત પંચતત્વમાં વિલિન : યમુના કિનારે નિગમ બોધ ઘાટ ઉપર અંતિમસંસ્કાર વેળા સોનિયા ગાંધી સહિતના તમામ દિગ્ગજ લોકો ઉમટી પડ્યા

નવી દિલ્હી, તા. ૨૧ : જબ તક સૂરજ ચાંદ રહેગા શીલા તેરા નામ રહેગાના નારા વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીત આજે પંચતત્વમાં વિલિન થઇ ગયા હતા. દિલ્હીમાં યમુના કિનારે સ્થિત નિગમ બોધ ઘાટ કાતે રાજકીય સન્માન સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ પણ ભારે વરસાદ વચ્ચે શીલા દિક્ષીતના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. નવી દિલ્હીના શિલ્પકાર તરીકે ગણાતા શીલા દિક્ષીતની અંતિમ વિદાય વેળા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા તે પહેલા કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે શીલા દિક્ષીતને અંજલિ આપવા માટે સોનિયા ગાંધી પહોંચ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, શીલા દિક્ષિત તેમના મોટાબહેન તરીકે હતા. સોનિયા ગાંધીએ શિલા સાથે રાજકીય સંબંધોની સાથે સાથે પોતાના અંગત સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. શિલા દિક્ષીત તેમના માટે માત્ર કોંગ્રેસી નેતા નહીં બલ્કે તેમના મોટા બહેન સમાન હતા. ગઇકાલે મોડી રાત્રે શિલા દિક્ષીતના અવસાન બાદ નિઝામુદ્દીન સ્થિત તેમના આવાસ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી સહિત તમામ દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. શિલા દિક્ષીતના દર્શન માટે તેમના આવાસ ઉપર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજ પણ પહોંચ્યા હતા. બંનેએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સુષ્મા સ્વરાજે શિલાને યાદ કરતા કહ્યું હતું કે, શિલા દિક્ષીત કોંગ્રેસ પાર્ટીમાં હોવા છતાં તેમના ખુબ નજીકના સંબંધ છે. પાર્ટીથી હટીને તેમના સંબંધ રહ્યા હતા. શિલા દિક્ષીત કેટલીક બાબતોમાં ખુબ જ  કુશળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું ગઇકાલે શનિવારે ૮૧ વર્ષની વયે અવસાન થયું હતું. શીલા દીક્ષિતના અવસાનના સમાચાર ફેલાતાની સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં આઘાતનુ મોજુ ફરી વળ્યું હતું. શીલા દીક્ષિત છેલ્લા ઘણા દિવસથી બિમાર ચાલી રહ્યા હતા. કોંગ્રેસે હાલમાં તેમને દિલ્હી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપેલી હતી.

૧૫ વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિત રહ્યા હતા. દિલ્હીમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહેવાનો તેમનો રેકોર્ડ રહેલો છે. અવસાનથી થોડાક દિવસ પહેલા સુધી શીલા દીક્ષિત રાજનિતિમાં સક્રિય દેખાયા હતા. હાલમાંજ શીલા દીક્ષિતે દિલ્હીમાં નવા જિલ્લા અધ્યક્ષોની નિમણૂંક પણ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શીલા દીક્ષિતને મુખ્યમંત્રી તરીકે ઉતારવાની પણ તૈયારી કરી હતી. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર જતી રહ્યા બાદ કેરળના રાજ્યપાલ તરીકે શીલા દીક્ષિતે જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે રજુ કર્યા હતા. શીલા દીક્ષિતની ગણતરી ગાંધી-નહેરુ પરિવારના નજીકના વ્યક્તિ તરીકે થતી હતી.

(7:53 pm IST)