મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

મુકેશ અંબાણી કરતા વધારે કમાય છે તેના સંબંધીઓ

મુકેશ અંબાણીના બે સંબંધીઓ કંપનીના બોર્ડમાં ડિરેકટર છેઃ નિખિલ મેસવાની અને હિતલ મેસવાનીની વાર્ષિક સેલેરી ૨૦.૫૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે

મુંબઇ, તા.૨૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સેલેરી કરતા વધુ સેલેરી તેમની કંપનીમાં કામ કરતા તેમના સંબંધીઓની છે. અંબાણીએ છેલ્લા ૧૧ વર્ષથી પોતાના પગારમાં ૧ રૂપિયાનો પણ વધારો નથી કર્યો. સામી બાજુ નીતા અંબાણીને અપાતી ફીઝમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ શુક્રવારે પોતાના નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા. આ અનુસાર કંપનીના પ્રોફિટમાં ૭ ટકાનો વધારો થયો છે. જિયોની આવકમાં ૪૪ ટકાનો વધારો થયો છે.

મુકેશ અંબાણીએ આ વર્ષે પણ પોતાની સેલેરીમાં કોઈપણ પ્રકારનો વધારો નથી કર્યો. કંપનીએ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર તેમની વાર્ષિક સેલેરી ૧૫ કરોડ રૂપિયા છે. તેમાં કમિશન, એલાઉન્સ તથા બીજા અનેક લાભનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણીને ૨૦૧૮-૧૯માં ૪.૪૫ કરોડ રૂપિયા સેલેરી અને એલાઉન્સ તરીકે, કમિશન તરીકે ૯.૫૩ કરોડ રૂપિયા, અન્ય લાભ તરીકે ૩૧ લાખ અને રિટાયરમેન્ટ લાભ તરીકે ૭૧ લાખ રૂપિયા મળ્યા હતા.

મુકેશ અંબાણીના બે સંબંધીઓ કંપનીના બોર્ડમાં ડિરેકટર છે. નિખિલ મેસવાની અને હિતલ મેસવાનીની વાર્ષિક સેલેરી ૨૦.૫૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ૨૦૧૭-૧૮માં આ બંને ભાઈઓને ૧૯.૯૯ કરોડ અને ૨૦૧૬-૧૭માં ૧૬..૫૮ કરોડ રૂપિયા, ૨૦૧૪-૧૫માં ૧૨.૦૩ કરોડ રૂપિયા સેલરી મળી હતી. ૨૦૧૫-૧૬માં  નિખિલને ૧૪.૪૨ અને હિતલને ૧૪.૪૧ કરોડ રૂપિયા સેલેરી મળી છે.

કંપનીના એકિઝકયુટિવ ડિરેકટર પી.એમએસ પ્રસાદ અને રિફાઈનરીના મુખ્ય અધિકારી પવન કુમાર કપિલની સેલેરીની સરખામણીમાં આ વર્ષે પણ ખાસ્સો વધારો જોવા મળ્યો છે. તેમની સેલેરી ક્રમશઃ ૧૦.૦૧ કરોડ અને ૪.૧૭ કરોડ કરી દેવાઈ છે.

કંપનીની નોન-એકિઝકયુટિવ ડિરેકટર નીતા અંબાણી અને એસબીઆઈના પૂર્વ ચેરપર્સન અરૃંધતિ ભટ્ટાચાર્યને મળનારા કમિશન અને ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નીતા અંબાણીને કમિશન તરીકે ૧.૬ કરોડ અને ૭ લાખ રૂપિયા સીટીંગ ફી આપવામાં આવી છે. ભટ્ટાચાર્યને ૭૫ લાખ રૂપિયા કમિશન અને ૭ લાખ રૂપિયા બોર્ડની બેઠકમાં શામેલ થવા માટે ફી મળી છે.

(12:00 am IST)