મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

કોરોના રસીકરણ ઝુંબેશમાં મધ્યપ્રદેશ મોખરે : એક જ દિવસમાં 15 લાખ લોકોને અપાઇ રસી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરમાં કુલ 80,95,314 રસી અપાઈ : કર્ણાટકમાં બીજા નંબરે : ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ

નવી દિલ્હી : સરકાર દ્વારા દેશના દરેક પુખ્ત વયનાને મફત રસીકરણની જાહેરાત કરી હતી આજે પ્રથમ દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરમાં 80 લાખથી વધુ રસી આપવામાં આવી છે. કુલ 80,95,314 રસી આપવામાં આવી છે, જેમાંથી તમામ રાજ્યોમાં મધ્યપ્રદેશ મોખરે રહ્યું છે, જ્યાં 15 લાખથી વધુ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. સીએમ શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં એક જ દિવસમાં 10 લાખ રસી વહીવટ કરવાનું લક્ષ્‍યાંક નક્કી કર્યું હતું, પરંતુ આરોગ્ય કર્મચારીઓએ લક્ષ્‍ય કરતાં વધુ રસીકરણનો ટાર્ગેટ પુરો કર્યો હતો. રાજ્યમાં કુલ 15,42,632 લોકોને કોરોના સામે રસી આપવામાં આવી હતી. કર્ણાટક મધ્યપ્રદેશ પછી બીજા નંબર પર છે, જ્યાં એક જ દિવસમાં 10,67,734 રસી આપવામાં આવી હતી.

આ રાજ્યો બાદ ત્રીજા નંબર પર ઉત્તર પ્રદેશનો રહ્યો છે, જ્યાં એક જ દિવસમાં 6 લાખથી વધુ કોરોના રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં કોરોના સામે 5 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. હરિયાણામાં 4.72 લાખ અને બિહારમાં 4.70 લાખ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. દેશના તમામ રાજ્યોમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશને સંબોધન કરતાં કેન્દ્ર સરકાર વતી 21 જુનથી તમામ પુખ્ત વયના લોકોને નિ: શુલ્ક કોરોના રસી આપવાની જાહેરાત કરી હતી

(10:55 pm IST)