મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

JNU યુનિવર્સિટીના કોમ્પ્યુટર ઓપરેટરની કમાલ : વિનોદકુમાર ચૌધરીના નામે 9 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

નાકથી સૌથી ઝડપથી ટાઇપિંગ, ત્યારબાદ આંખો બંધ કરી ટાઇપ કરવા તથા મોમાં લાકડી મૂકી સૌથી ઝડપથી ટાઇપ કરવાનો વિક્રમ : છેલ્લો રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ 205 વખત ટેનિસ બોલને હાથથી સ્પર્શ કરવાનો નોંધાવ્યો

નવી દિલ્હી : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા વિનોદકુમાર ચૌધરીના નામે 9 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે. 41 વર્ષ ચૌધરી જેએનયુની સ્કૂલ ઓફ એનવાયરોમેન્ટલ સાયન્સિસ(એસઇએસ)માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે.

ગયા વર્ષે કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન ચૌધરીએ વધુ એક વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. તેમનો છેલ્લો રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ 205 વખત ટેનિસ બોલને હાથથી સ્પર્શ કરવાનો છે. 2014માં ચૌધરીએ નાકથી સૌથી ઝડપથી ટાઇપિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ આંખો બંધ કરી ટાઇપ કરવા તથા મોમાં લાકડી મૂકી સૌથી ઝડપથી ટાઇપ કરવાનો વિક્રમ પણ તેમના નામે છે.

ચૌધરી પોતાના ઘરે ગરીબ અને વિકલાંગ બાળકો માટે કોમ્પ્યુટર સેન્ટર ચલાવે છે અને આ કોમ્પ્યુટર સેન્ટરની દીવાલો પર તેમના નામે રહેલા રેકોર્ડના ફોટા છે.

ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે મને પહેલાથી જ ઝડપમાં રસ હતો. બાળપણમાં મને સ્પોર્ટસમાં ઘણો રસ હતો પણ સ્વાસ્થ્યની કેટલીક સમસ્યાઓને કારણે હું સ્પોર્ટ્સમાં આગળ વધી શક્યો ન હતો. ત્યાર પછી મે કોમ્પ્યુટરમાં સ્પીડ પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ. 2014માં મે મારી નાક વડે 46.30 સેકન્ડમાં 103 અક્ષર ટાઇપ કરીને નવો વિશ્વવિક્રમ રચ્યો હતો.

ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આ રેકોર્ડ માટે મને સર્ટીફિકેટ મળ્યા પછી મને વધુ રેકોર્ડ બનાવવાની પ્રેરણા મળી હતી.ત્યારબાદ મેં ઝડપ વધારવા વધુ પ્રેક્ટિસ કરી હતી. 2016માં મેં વધુ બે રેકોર્ડ બનાવ્યા હતાં. 2016માં આંખો બંધ કરીને તમામ આલ્ફાબેટ 6.71 સેકન્ડમાં ટાઇપ કરીને બીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાનો આ જ રેકોર્ડ તોડીને 6.09 સેકન્ડનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

સમાજશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી ધરાવતા ચૌધરીએ 2017માં મોમાં લાકડી રાખીને તે લાકડીથી આલ્ફાબેટ ફક્ત 18.65 સેકન્ડમાં ટાઇપ કરીને નવો વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. 2018માં તેંમણે પોતાનો જ આ રેકોર્ડ તોડીને 17.69 સેકન્ડમાં આલ્ફાબેટના અક્ષરો ટાઇપ કરી લીધા હતાં. 2019માં આ જ રેકોર્ડ તોડીને 17.01 સેકન્ડમાં આલ્ફાબેટના અક્ષરો ટાઇપ કરી લીધા હતાં.

2019માં ચૌધરીએ એક આંગળીથી સૌથી ઝડપથી આલ્ફાબેટ ટાઇપ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 29.53 સેકન્ડમાં જ એક આંગળીથી આલ્ફાબેટના અક્ષરો ટાઇપ કરી લીધા હતાં. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે મારો ઉદ્દેશ સચિન તેંડુલકરની જેમ ગિનીસ બુકમાં 19 રેકોર્ડ બનાવવાનો છે.

(11:48 am IST)