મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

ટેક્સ વસૂલવામાં કેન્દ્ર સરકારે કરી છે પીએચડી ઇંધણના વધતા ભાવ અંગે રાહુલ ગાંધીનો કટાક્ષ

સરકારને ટેક્સ તરીકે 4.69 લાખ કરોડ રૂપિયાની આવક: પ્રાઈવેટ કંપનીઓએ 4.57 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ જમા કર્યો

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને લઈને  ફરી કટાક્ષ કર્યો છે. એક હિન્દી સમાચાર પત્રનો હવાલો આપતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે ટેક્સ વસૂલવામાં પીએચડી કરેલી છે.

રાહુલ ગાંધીએ એક લેખ શેર કર્યો છે તેમાં કહેવાયુ છે કે, ભારત સરકારને ટેક્સ તરીકે 4.69 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે ને બીજી તરફ પ્રાઈવેટ કંપનીઓએ 4.57 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ જમા કર્યો છે. જ્યારે બંને કરતા વધારે રકમ સરકારન પેટ્રોલ ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટી નાંખીને મળેલી છે. રકમ 5.25 લાખ કરોડ રૂપિયા થવા જાય છે. આંકડા માત્ર ડિસેમ્બર 2020 સુધીના છે. જેમાં જાન્યુઆરીથી માર્ચ મહિનાનો સમયગાળો સામેલ નથી.

પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકાર પર નિશાન સાધીને એવુ પણ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના રાજમાં એવી સ્થિતિ છે કે જે દિવસે પેટ્રોલ ડિઝલના ભાવ ના વધે તે દિવસે હડેલાઈન બની જાય છે. ભાજપ હજી કયા કયા રસ્તે દેશને લૂંટશે તે જોવાનુ રહ્યુ.

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયુ છે.

(8:15 pm IST)