મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

ઇરાનને ધમકી મળ્યા બાદ હવે યુદ્ધના વાદળો ઘેરાયા રશિયા અને સાઉદી પણ વિવાદમાં ઉતર્યા

અમેરિકા ઇરાન પર હુમલા કરશે તો ભારે નુકસાન થશે રશિયાએ ચિમકી આપી ઃ સાઉદી અમેરિકાની સાથે રહ્યું

વોશિંગ્ટન, તા. ૨૧: અમેરિકા દ્વારા ઇરાનને ધમકી આપવામાં આવ્યા બાદ હવે યુદ્ધનો ખતરો ટોળાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં દુનિયાના અનેક દેશ અમેરિકાની સાથે અને વિરોધમાં આવી ગયા છે. એકબાજુ રશિયાએ ચેતવણી આપતા કહ્યું છે કે, ઇરાનની સામે અમેરિકા કોઇ હુમલા કરશે તો ભારે નુકસાન થશે. બીજી બાજુ સાઉદી અરેબિયાએ અમેરિકાના સુરમાં સુર પુરાવીને કહ્યું છે કે, ઇરાને અખાત દેશોમાં ગંભીર સ્થિતિ સર્જી દીધી છે. ઇરાને અમેરિકાના એક શક્તિશાળી ડ્રોનને તોડી પાડવામાં આવ્યા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે વિસ્ફોટક સ્થિતિ ઉભી થઇ ગઇ છે. અમેરિકાના ડ્રોનને તોડી પાડવાના સંદર્ભમાં પેન્ટાગોને કહ્યું છે કે, આ ઘટના આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઘુસી છે. બીજી બાજુ ઇરાનનું કહેવું છે કે, અમેરિકી ડ્રોન ઇરાનમાં ઘુસી ગયું હતું.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઇરાને ખુબ મોટી ભુલ કરી દીધી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયન પ્રમુખે અમેરિકાને સાવધાન કરતા કહ્યું છે કે, ઇરાન પર કાર્યવાહી કરવાની સ્થિતિમાં ભારે નુકસાન થઇ શકે છે. અમેરિકા દ્વારા જો ફોર્સનો ઉપયોગ કરવામાં આવશે તો હિંસાને વેગ મળશે અને નુકસાનને ભરપાઈ કરવાની બાબત મુશ્કેલરુપ બની જશે. સાઉદીના લોકો અમેરિકાની સાથે દેખાઈ રહ્યા છે. અખાતની સ્થિતિને બગાડવા માટે ઇરાન ઉપર સીધીરીતે સાઉદીએ આક્ષેપ કર્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓબામાના સમયગાળા દરમિયાન ઇરાનની સાથે કરવામાં આવેલી પરમાણુ સમજૂતિથી અલગ થઇ ચુક્યા છે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધની ચેતવણી આપ્યા બાદ કલાકોના ગાળામાં જ નિવેદન બદલી દીધું છે પરંતુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે.

 

(9:31 pm IST)