મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

રાજ્યસભામાં એનડીએ બહુમતીની નજીકઃ મહત્વના બીલો પસાર થશે

ટીડીપીના ૪ સાંસદોએ પાટલી બદલતા વિપક્ષને આંચકોઃ એનડીએને ફાયદોઃ ટીડીપીના સાંસદોએ બગાવત કરી ઉપલા ગૃહની તસ્વીર બદલી નાખીઃ ટ્રીપલ તલાક સહિતના બીલોને હવે કાનૂની વાઘા પહેરાવી શકાશેઃ એનડીએ પાસે ૧૦૭ સભ્યોનું સમર્થનઃ ટીઆરએસ-બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ સાથ આપે તો સંખ્યાબળ ૧૨૦નું થાયઃ બહુમતી માટે જોઈએ ૧૧૯

નવી દિલ્હી, તા. ૨૧ :. ટીડીપીના ચાર સાંસદો પાટલી બદલીને એનડીએનો સાથ લેતા વિપક્ષને મોટો આંચકો લાગ્યો છે. આ ઉલટફેર છતાં ભાજપ અને એનડીએ ભલે બહુમતીથી દૂર હોય પરંતુ મહત્વના બીલોને પસાર કરવા માટે જરૂરી સંખ્યાની તે નજીક પહોંચી ગયુ છે. ત્રણ તલાક સહિતના તમામ મહત્વના બીલો રાજ્યસભામાં પસાર થવાના સંજોગો ઉજળા બન્યા છે.

ત્રણ તલાક, નાગરિકતા સંશોધન જેવા મહત્વના બીલોને પસાર કરવા માટે ભાજપે બીજેડી, વાયએસઆર કોંગ્રેસ અને ટીઆરએસ જેવા પક્ષોને સાધવા પડશે. ઉપલા ગૃહમાં બહુમતી ન હોવાને કારણે મોદી-૧ સરકાર ડઝનબંધ મહત્વના બીલો પસાર કરાવી શકી નહોતી અને કાયદા બની શકયા નહોતા. રાજ્યસભામાં ભાજપના ૭૫ સભ્યો છે તો એનડીએના સભ્યોની સંખ્યા ૧૦૫ની છે. અમરસિંહ અને સુભાષ ચંદ્રા જેવા અપક્ષોના સહારે સંખ્યાબળ ૧૦૭ સુધી પહોંચી શકે છે. ભાજપ જો ટીઆરએસના ૬, બીજેડીના ૫ અને વાયએસઆર કોંગ્રેસના ૨ સભ્યોને સાધવામાં સફળ રહે તો સંખ્યા ૧૨૦ પહોંચી જશે. ઉપલા ગૃહમાં ૯ બેઠકો ખાલી છે. એવામાં બીલ પસાર કરવા માટે ભાજપને ૧૧૯ સભ્યોનું સમર્થન જોઈએ.

બીલ પસાર કરવા માટે ગૃહમાં હાજર સભ્યોમાંથી બહુમત સમર્થન જોઈએ. બીલ પસાર કરાવવા માટે ભાજપે ટીઆરએસ, બીજેડી અને વાયએસઆર કોંગ્રેસને સાધવા પડશે. નાગરિકતા સંશોધન બીલ પર આ ત્રણેય પક્ષોને કોઈ વાંધો નથી. ત્રણ તલાક બીલ પર એનપીએફ, બીપીએફ જેવા પૂર્વોત્તરના પક્ષોને રસ નથી. એવામાં પક્ષ આ બીલ પર જેડીયુને ગેરહાજર રહેવા માટે મનાવી બીજેડી, ટીઆરએસ જેવા પક્ષોના વાંધાઓનો ઉકેલ કાઢી કામ કઢાવી શકે છે.

ભાજપના ૭૫, અન્ના ડીએમકેના ૧૩, જેડીયુના ૬, અકાલી-શિવસેનાના ૩ - ૩, નોમીનેટેડ ૩, આરપીઆઈ-એજીપી ૧ - ૧ અને અપક્ષ ૨ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીલ પસાર કરવા માટે ભાજપને ૧૧૯ સભ્યોનું સમર્થન જોઈએ. આ સત્ર ચાલુ હશે ત્યારે જ ૬ બેઠકોની ચૂંટણી થવાની છે. આમાંથી ૩ ભાજપને મળશે. એવામાં બીલ પસાર કરવા માટે ગૃહમાં મોજુદ સભ્યોમાંથી ૫૦ ટકાથી ૧ વધુ સમર્થન જોઈએ. જો ટીઆરએસ, બીજેડી અને વાયએસઆર કોંગ્રેસને તે રાજી કરી દેશે તો ભાજપ પોતાના એજન્ડા સાથે જોડાયેલા બીલોને પસાર કરાવી શકશે.(૨-૨)

(12:02 pm IST)