મુખ્ય સમાચાર
News of Thursday, 21st June 2018

કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રૈનાને હત્યા કરવાની ધમકી

કેટલાક સમયથી ધમકી મળી રહી હોવાનો ખુલાસો :જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાની મહેબુબા સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવામાં મહત્વની ભૂમિકા

જમ્મુ, તા. ૨૧ :જમ્મુ કાશ્મીરમાં પીડીપી-ભાજપ ગઠબંધનનો અંત આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ગઇકાલે લાદી દેવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને આતંકવાદીઓ તરફથી હત્યા કરવાની ધમકી આપવામાં આવી હોવાનો કેસ સપાટી ઉપર આવ્યો છે. ભાજપ નેતાને ધમકી એવા સમયે આપવામાં આવી છે જ્યારે રાજ્યમાં રાજકીય સ્થિતિ ખુબ જ ગંભીર બન્યા છે અને તેમની પાર્ટી દ્વારા સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જો કે, રાજ્યમાં રાજ્યપાલ શાસન અમલી છે. તેમણે કહ્યું હતું કે, સંબંધિત ઓથોરિટી અને ગવર્નરને આ અંગેની માહિતી આપી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ધમકી મળી રહી છે. એટલું જ નહીં આજે પણ ધમકીભર્યો કોલ કરાંચીથી આવ્યો હતો. રવિન્દ્ર રૈના થોડાક સમય પહેલા જ જમ્મુ કાશ્મીર ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રૈના તેમના પાકિસ્તાન વિરોધી નિવેદનબાજી અંગે જાણિતા છે. માનવામાં આવી રહ્યું છે કે, મહેબુબા સરકારમાંથી ટેકો પાછો ખેંચવાની રણનીતિમાં રૈનાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૪મી જૂનના દિવસે કાશ્મીરમાં પત્રકાર સુજાજ બુખારીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી અને રાષ્ટ્રીય રાયફલના જવાન ઔરંગબેજ પણ હત્યા કરવામાં આવ્યા બાદ ભાજપે કાનૂન વ્યવસ્થા કથળી ગઇ હોવાનું તારણ આપી જમ્મુ કાશ્મીરની મહેબુબા સરકારથી રાજીનામુ આપી દીધું હતું. ભાજપ નેતા રામ માધવે પીડીપી સાથેનું સમર્થન પાછું ખેચી લેવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીરમાં સ્થિતિ ખુબ જ વણસી છે અને તે જ કારણથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સંબંધમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાજ્ય નેતૃત્વ તમામ સાથે વાતચીત કરવામાં આવી હતી.

(7:36 pm IST)