મુખ્ય સમાચાર
News of Friday, 20th May 2022

સીતાપુર જેલમાંથી રામપુર પહોંચ્યા આઝમ ખાન : કહ્યું-‘મને એન્કાઉન્ટરની ધમકી આપવામાં આવી

આઝમ ખાને કાવ્યાત્મક શૈલીમાં વ્યંગ કરતા કહ્યું, ‘મારા વિનાશમાં મારા પોતાનો હાથ છે, મારા પોતાના લોકોનો તેમાં મોટો ફાળો છે.

નવી દિલ્હી :  જેલમાંથી બહાર આવ્યા બાદ જ્યારે સપાના નેતા આઝમ ખાને પહેલીવાર મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેમની સ્ટાઈલ એવી જ હતી જેના માટે તેઓ જાણીતા છે. તેમણે તેમની જૂની સ્ટાઈલમાં કહ્યું, ‘મને કોરોના થયો છતા હું મર્યો નહીં, મારા પ્રિયજનોએ ઘણા પ્રયાસ કર્યા…છતા પણ હું હજી જીવતો છું.’

આઝમ ખાને વધુમાં કહ્યું કે, ‘મને એન્કાઉન્ટરની ધમકી આપવામાં આવી છે. મેં હંમેશા પોતાને ઈમાનદાર સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. મને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. આઝમ ખાને કાવ્યાત્મક શૈલીમાં વ્યંગ કરતા આગળ કહ્યું, ‘મારા વિનાશમાં મારા પોતાનો હાથ છે, મારા પોતાના લોકોનો તેમાં મોટો ફાળો છે.’

અગાઉ, તેમણે જ્ઞાનવાપી વિવાદ પર કહ્યું હતું કે, આ મુદ્દો બાબરી મસ્જિદથી થોડો અલગ છે કારણ કે તેના પર સુનાવણી 2-3 અઠવાડિયામાં થઈ છે અને બાબરી મસ્જિદ કેસ વર્ષો સુધી ચાલ્યો હતો. આઝમ ખાને કહ્યું કે આ અંગે અત્યારે કંઈ પણ કહેવું ખોટું રહેશે અને દેશનો માહોલ બગાડવાનું કામ કરશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમનું નામ શા માટે નથી, તો આઝમ ખાને આગવા અંદાજમાં જવાબ આપ્યો, ‘કારણ કે હું તેમના કરતા મોટો નેતા છું.’ આઝમ ખાને કહ્યું કે તેઓ પેટાચૂંટણી લડશે.

(1:14 am IST)