મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

ઉધ્ધવ ઠાકરે માટે પુરણપોળી : નીતિશ કુમાર માટે લિટ્ટી ચોખા

અમિત શાહના ડિનરનું મેનુ : ડિનરનું મેનુ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે અલગ અલગ રાજ્યના નેતાઓ અલગ અલગ વ્યંજનોનો સ્વાદ ચાખી શકે

નવી દિલ્હી તા. ૨૧ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ ખતમ થયા બાદ સામે આવેલા એકઝીટ પોલના પરિણામોથી ભાજપ ખૂબ જ ઉત્સાહિત છે. મોટાભાગના એકિઝટ પોલમાં બીજેપીના વડપણ હેઠળના ગઠબંધન (એનડીએ)ને ૩૦૦થી વધારે બેઠક મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહે એકિઝટ પોલના પરિણામોની ખુશીમાં મંગળવારે સાંજે એનડીએના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે. અમિત શાહનું આ ડિનર શાહી હશે. જેમાં વડાપ્રધાન મોદી, શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે, બિહારના મુખ્યમંત્રી તેમજ જેડીયૂના અધ્યક્ષ નીતિશ કુમાર, એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ હાજર રહેશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિત શાહ દિલ્હી સ્થિત અશોકા હોટલમાં આ ડિનર આપી રહ્યા છે. સાંજે ૭.૩૦ વાગ્યાથી મહેમાનોનું આગમન શરૂ થશે. તેમની આગતાસ્વાગતા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રી ભોજના મેનુમાં એનડીએના દરેક નેતાઓની પસંદગીનું ભોજન સામેલ છે. આશરે અલગ અલગ પ્રકારના ૩૫ વ્યંજનો પીરસવામાં આવશે. ડિનરમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના હોવાથી ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેને આ ડિનરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમના માટે ખાસ મહારાષ્ટ્રીયન ડીશ બનાવવામાં આવી છે. જેમાં પુરણપોળી સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠાકરે હાલ યૂરોપમાં છે. તેઓ મોડી સાંજે દિલ્હી પરત ફરે તેવી આશા છે. એવામાં તેઓ ડિનરમાં સામેલ નહીં થઈ શકે તો શિવસેનાના પ્રતિનિધિ તરીકે સુભાષ દેસાઈ ડિનરમાં સામેલ થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહના ડિનરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે બાટી-ચોખા અને સત્ત્।ૂ પીરસવામાં આવશે. મેનુમાં બિહારના બે-ત્રણ વ્યંજનો સામેલ છે.

અમિત શાહની આ ડિનર પાર્ટીમાં નોર્થ-ઇસ્ટના નેતાઓ પણ સામેલ થશે. આ માટે ખાસ નોર્થ-ઇસ્ટના વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા છે. પંજાબના અકાલી દળના નેતા પણ ડિનરમાં સામેલ થવાના હોવાથી તેમના માટે ખાસ પંજાબી તડકાની વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજેપી કાર્યાલયના સૂત્રોનું કહેવું છે કે આ ડિનરનું મેનુ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે અલગ અલગ રાજયના નેતાઓ અલગ અલગ વ્યંજનોનો સ્વાદ ચાખી શકે. આ ડિનર દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એનડીએમાં ભલે અલગ અલગ રાજયના નેતાઓ છે, પરંતુ તે એક પરિવારના સભ્ય છે.

(3:42 pm IST)