મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

કાળિયારના કેસમાં તબુ, સોનાલી, નીલમ અને સૈફને રાજસ્થાન હાઇકોર્ટે મોકલી નોટીસ

પાંચેય જણને કોર્ટે ૮ અઠવાડીયાની અંદર જવાબ આપવાનું કહ્યુ છે

મુંબઇ તા. ર૧ :.. 'હમ સાથ સાથ હૈ' ના શૂટિંગ દરમ્યાન કરવામાં આવેલા કાળિયારના શિકારના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે ફરી એક વાર તબુ, સોનાલી બેન્દ્રે બહલ, નીલમ અને સૈફ અલી ખાનને નોટીસ ફટકારી છે. સાથે જ એક સ્થાનીક રહેવાસી દુષ્યંત કુમારને પણ આ નોટીસ મોકલવામાં આવી છે. આ કેસમાં સલમાન ખાનને દોષી ગણવામાં આવ્યો હતો અને બાકીના એકટર્સને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં.

જો કે રાજસ્થાનની સરકાર દ્વારા ફરી કોર્ટમાં વિનંતી કરવામાં આવી હતી કે તેમને નિર્દોષ જાહેર કરવામાં ન આવે. આથી કોર્ટ દ્વારા તેમને ૧૧ માર્ચે નોટીસ મોકલાવવામાં આવી હતી. વકીલ મહિપાલ સિંહ મુજબ માત્ર નીલમને જ આ નોટીસ મળી હતી એથી જસ્ટિસ મનોજ ગર્ગે ગઇકાલે બાકીનાઓને પણ નોટીસ પાઠવી છે. આ પાંચેય જણને કોર્ટે ૮ અઠવાડીયાની અંદર જવાબ આપવાનું કહ્યું છે. સલમાન ખાનને પાંચ વર્ષના જેલવાસની સાથે ૧૦ હજાર રૂપિયા દંડ પેટે ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે આ કેસમાં સલમાને કરેલી અરજી હજી સુધી હાઇકોર્ટમાં પેન્ડીંગ છે.

(11:22 am IST)