મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

ઈલેકશન ૨૦૧૯: દેશના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન

૯૧ કરોડ મતદારોમાંથી ૬૭.૧૧ ટકાએ કર્યુ મતદાન : મહિલાઓ દ્વારા જાગૃતિ વધી, વધુ મતદાન

નવી દિલ્‍હી, તા. ૨૧ :. દેશની કોઈપણ લોકસભા ચૂંટણી કરતા આ વખતે સાત તબક્કામાં પુરી થઈ ગયેલ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નોંધાયું. આ વખતની ચૂંટણીમાં કુલ ૯૧ કરોડ મતદારોમાંથી લગભગ ૬૭.૧૧ ટકા મતદારોએ મત આપ્‍યા હતા. ૨૦૧૪માં કુલ મતદાન ૬૬.૪૦ ટકા નોંધાયુ હતું.

ગઈકાલે મળેલા આંકડાઓ પ્રમાણે ૬૭.૧૧ ટકા મતદાન થયું છે. લોકસભાની ૫૪૩માંથી ૫૪૨ બેઠકો પર મતદાન થયું હતું કેમ કે ચૂંટણી પંચે વધારે પડતા ધન-બળના ઉપયોગના કારણે વેલ્લોર બેઠકની ચૂંટણી રદ્દ કરી હતી. પંચે વેલ્લોર બેઠક માટે ચૂંટણીની તારીખો હજુ સુધી નથી આપી. ૨૦૧૪ની ચૂંટણીમાં મતદારોની સંખ્‍યા ૮૩.૪૦ કરોડ હતી જે આ વખતે ૯૦.૯૯ કરોડ પહોંચી હતી. ૨૦૦૯ની ચૂંટણીમાં કુલ મતદાન ૫૬.૯ ટકા નોંધાયુ હતું.

૨૦૧૪માં મહિલાઓ અને પુરૂષો વચ્‍ચે મતદાનનો ફરક ૧.૪ ટકા હતો જે આ વખતે ૦.૪ ટકા રહી ગયો છે.

લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પર ગઈ ચૂંટણી કરતા દોઢ ટકા ઓછું મતદાન થયું છે. ૨૦૧૪માં ૫૮.૨૫ ટકા મતદાન થયું હતું જે ઘટીને આ વખતે ૫૬.૯૭ ટકા થઈ ગયું હતું.

આ વખતની ચૂંટણીમાં મતદાન પહેલાથી સાતમાં તબક્કા સુધી પહોંચતા પહોંચતા ઘટતુ ગયું હતુ. પહેલા તબક્કામાં સર્વાધીક ૬૯.૧૧ ટકા મતદાન થયું હતું પણ મોટાભાગના રાજ્‍યોમાં મતદાનની ટકાવારી ૨૦૧૪ કરતા વધારે રહી હતી. મધ્‍યપ્રદેશની વાત કરીએ તો ૨૦૧૪ની સરખામણીએ અહીં ૫.૯૨ ટકા મત વધારે પડયા હતા. જો કે પંજાબ અને ચંદીગઢ જેવા રાજ્‍યોમાં મતદાન ઘટયું છે.

દેશમાં સાત તબક્કાની ચૂંટણી કરાવવા માટે ૩ લાખ અર્ધ સૈનિક દળોની સાથે ૨૦ લાખથી વધારે રાજ્‍ય પોલીસ અને હોમગાર્ડ તહેનાત કરવામાં આવ્‍યા હતા. ૧૯૮૬માં થયેલ ઓપરેશન બ્રાસ ટેકસ' કરતા પણ આ સંખ્‍યા વધારે છે. ઓપરેશન બ્રાસ ટેકસ બીજા વિશ્વ યુદ્ધ પછીનો સૌથી મોટો સૈન્‍ય અભ્‍યાસ ગણાય છે. જે રાજસ્‍થાનમાં કરવામાં આવ્‍યો હતો. જે ૧૯૮૬માં શરૂ થઈને ૧૯૮૭માં પુરો થયો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્‍યુ કે આ વખતની ચૂંટણીમાં લગભગ ૨૦ લાખ સૈનિકો સામેલ હતા જેમાં પોલીસ, અર્ધસૈનિક દળો અને હોમગાર્ડસનો સમાવેશ થાય છે.

(11:17 am IST)