મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

અમેરિકાના જયોર્જીયામાં આવેલા હિન્દુ ટેમ્પલ ઓફ એટલાન્ટમાં આભૂષણોની ચોરીઃ ગુરૂવારે મહાલક્ષ્મી મંદિર બાદ શુક્રવારે એટલાન્ટા મંદિરમાં થયેલી ચોરીથી લોકોમાં ફફડાટઃ ધોળે દિવસે માત્ર ૧૫ મિનીટમાં સોનાના આભૂષણો બઠ્ઠાવી જઇ ૩ મહિલા તથા ૩ પુરૂષની ગેંગ પલાયન

જયોર્જીયાઃ અમેરિકાના જયોર્જીયામાં આવેલા હિન્દુ ટેમ્પલ ઓફ એટલાન્ટામાં ધોળે દિવસે ભગવાનની મૂર્તિઓ ઉપર ચડાવેલા સોનાના આભૂષણોની ચોરી થઇ છે.

ગુરૂવારે મહાલક્ષ્મી મંદિરમાંથી ચોરી થયાના બીજા જ દિવસે એટલે કે શુક્રવારે બપોરે હિન્દુ ટેમ્પલ ઓફ એટલાન્ટામાં થયેલી ચોરીથી લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

આ ચોરી કરનારાઓમાં ૬ લોકોની ગેંગ હોવાનું જણાયું છે.

જેમાં ૩ મહિલા અને ૩ પુરૂષ છે જે પૈકી બે પુરૂષએ મંદિરના ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ કરી રહેલા ર પૂજારીને ઇન્ટરવ્યુ લેવાના બહાને બહાર બોલાવી વાતચીતમાં રોકી રાખ્યા હતા. તે દરમિયાન ગેંગના બાકીના સભ્યોએ માત્ર ૧૫ મિનીટમાં મૂર્તિઓ ઉપર રહેલા સોનાના આભૂષણો ઉતારી લીધા હતા. જો કે તેમણે સોના સિવાયની અન્ય કોઇપણ ધાતુના આભૂષણો લેવામાં સમય બગાડયો નહોતો.

આ અંગે ફરિયાદ નોંધાવાઇ છે. જો કોઇને જાણકારી હોય તો ડીટેકટીવના કોન્ટેક નં.૭૭૦-૭૮૦-૨૨૨૨ ઉપર જાણ કરવા વિનંતી કરાઇ છે. તેવું  NRI Pulse દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)