મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

''નાવિકા સાગર પરિક્રમા''ની ૬ મહિલા નેવી અધિકારીની ટીમ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત

૨૫૨ દિવસમાં ૪૦ હજારકિ.મી.ની સફરઃ અનેક અવરોધો વચ્ચે પાંચ દેશ, ચાર ખંડ અને ત્રણ મહાસાગરનો વિશ્વ પ્રવાસ

છ મહિલાની બનેલી સાગર પરિક્રમાની બહાદુર ટીમ અને તેમણે પૃથ્વી ની પરિક્રમા કરી એ દરિયાઇ માર્ગનો નકશો.

નવી દિલ્હી તા.૨૧: ૬ મહિલાની બનેલી ભારતીય નોૈકાદળની 'નાવિકા સાગર પરિક્રમા' ટીમ આજે આની પૃથ્વીની પરિક્રમા કરીને સ્વદેશ પરત ફરી હતી. ૨૦૧૭ની ૧૦મી સપ્ટેમ્બરે ગોવાથી રવાના થયા પછી આજે ફરીથી ટીમ ગોવા આવી પહોંચી હતી. અહીંના માંડોવી ખાતે જ સોમવારે સંરક્ષણ મંત્રી ટીમનું વિધિવત સ્વાગત કરશે. એશિયામાંથી માત્ર કોઇ નોૈકાદળની મહિલાની જ ટીમે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એવી આ પહેલી ઘટના છે.

માત્ર નોૈકાદળની મહિલા અધિકારીઓની જ બનેલી આ ટીમે નાનકડી 'આઇએનએસ તરીણી' નામની હોડીમાંજ સવાર થઇને દુનિયાની સફર કરી હતી. ૬ મહિલાઓની ટીમનું નેતૃત્વ ઉતરાખંડના લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોષીને સોંપવામાં આવ્યું હતું. તેમની સાથે ટીમમાં પ્રતિમા જામવાલ, પી.સ્વાતિ, વિજયા દેવી. બી. એશ્વર્ય અને પાયલ ગુપ્તા પણ સામેલ હતી. આ બધી જ યુવતીઓ ભારતીય નોૈકાદળની ઓફિસર્સ છે.

નોૈકાદળમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ પ્રોજેકટ તૈયાર કર્યો હતો અને તેને નાવિકા સાગર પરિક્રમા નામ અપાયું હતું. ૨૫૨ દિવસની સફર દરમિયાન મહિલા ટીમે ૪૦,૦૦૩ કિલોમીટર (૨૧,૬૦૦ નોટિકલ માઇલ) ની સફર ખેડી હતી. નિયમ પ્રમાણે આ સફર દરમિયાન તેમણે મર્યાદિત સ્થળોએ જ વિરામ લેવાનો હતો. દરિયાઇ પરિક્રમા હોવાથી તેમને કોઇ બંદર પર બિનજરૂરી રોકાણ કરવાનું ન હતું.

ગોવાથી રવાના થયા પછી ટીમે પહેલો વિરામ ઓસ્ટ્રેલીયાના ફિમેન્ટલ બંદેર લીધો હતો. એ પછી ન્યુઝિલેન્ડનું લીટ્ટેટોન, ફાલકાલેન્ડનું પોર્ટ સ્ટેન્લી, દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન અને છેલ્લેે મોરેશિયસ તેમના માટે વિરામ સ્થળ બન્યા હતા. આમ તો એક મહિના પહેલાજ ટીમ પરત આવી જવાની હતી. પરંતુ હોડીના સ્ટિઅરીંગમાં ખોટકો સર્જાતા મોરેશિયસ ખાસ્સો લાંબો સમય રોકાઇને રિપેરીંગ કરવું પડયું હતું. ભારતીય નોૈકાદળ દ્વારા ટ્વિટર પર સતત આ ટીમ કયાં પહોંચી છે, તેની વિગતો નકશા સાથે મુકવામાં આવતી હતી.

દરિયાઇ પરિક્રમાની વૈશ્વિક વ્યાખ્યા પ્રમાણે જયાંથી સફર શરૂ કરી હોય ત્યાં જ પરત ફરીને આવવાનું હોય છે, જે નોંકાટીમે કરી દેખાડયું હતું. સફર દરમિયાન તેમણે બે વખત ભુમધ્યરેખા પણ ક્રોસ કરી હતી. અઢીસો દિવસની સફર  દરમિયાન ટીમે પાંચ દેશ, ચાર ખંડ અને ત્રણ મહાસાગરમાંથી પસાર થવાનું થયું હતું. આ દરમિયાન પ્રશાંત મહાસાગરમાં સતત ૪૧ દિવસ એવા વિત્યા હતા જયારે દરિયાઇ તોફાનનો તેમણે સામનો કરવો પડયો હતો.

(4:28 pm IST)