મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

જય જય હો...કુંભ મેળો 'આધ્યાત્મિકતા'નો પવન પ્રસરાવશે જગતભરમાં

૧૯૩ દેશમાંથી ૧૦ લાખ વિદેશી પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણાઃ છતનાગ પાસે ટેન્ટ સિટીમાં બનાવાશે ૫૦૦૦ કોટેજ : અલ્હાબાદને દેશના તમામ મોટા શહેરોથી રેલ-સડક માર્ગની સાથેસાથે હવાઇ અને જલમાર્ગે પણ જોડવાની તૈયારીઃ ૧૦,૦૦૦ બસની પણ હશે વ્યવસ્થા,તમામ વિદેશી રાજદુતોને પણ આમંત્રણ અપાશે

લખનઉ,તા.૨૧: દેશના વિવિધ રાજયોમાં ઉજવાતા વિવિધ પરંપરાગત ઉત્સવો, તહેવારો થકી જરૂર ઉજવણીરૂપ ખુશીઓ ચોતરફ પ્રસરતી હોય છે, પરંતુ કુંભ મેળાની આતુરતા સૌને રહે છે...એવી જ રીતે આવતા વર્ષે યોજાનાર મેળો ખરેખર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે એવા પ્રયાસો અત્યારથી ચાલુ કરી દેવાયા છે.એમ કહેવું પણ યોગ્ય ગણાશે કે, ૨૦૧૯નો કુંભમેળો ભારત જ નહિ પણ સમગ્ર જગતભરમાં આધ્યાત્મિકતારૂપ પવન પ્રસરાવશે.

આ અંગે જાણવા મળ્યાનુસાર ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ૨૦૧૯મંા ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસથી શરૂ થઇ ૪ માર્ચ મહાશિવરાત્રી સુધી ચાલનારા   પ્રયાગ કુંભ મેળામાં  વિવિધ ૧૯૩ દેશના અંદાજે ૧૦ લાખ પ્રવાસીઓ ઉમટી પડવાના છે, તમામ મહેમાનોના રહેણાંક માટે છતનાગ નજીકના વિસ્તારમાં ટેન્ટ સિટી ઉભી કરી ૫૦૦૦ કોટેજ તયાર કરાશે...એવી જ રીતે અલ્હાબાદને દેશના તમામ મોટા-મોટા શહેરોથી રેલ-સડક માર્ગોથી જોડવા સાથે જ હવાઇ અને જલમાર્ગે પણ જોડવાની તૈયારીઓ આરંભાવા લાગી છે.

દરમિયાન સરકારના પ્રવકતાના જણાવ્યા મુજબ તમામ મોટા-મોટા રેલ્વે સ્ટેશનો અને હવાઇ અડ્ડા ખાતે વિદેશી ભાષાના જાણકાર ગાઇડને પણ તૈયાર રખાશે...સાથે સાથે શ્રધ્ધાળુઓની સુવિધા કાજે ૧૦,૦૦૦ બસની પણ વ્યવસ્થા કરવાનું આયોજન છે. વિદેશી પ્રવાસીઓ તો લાખોની સંખ્યામાં ઉમટી પડવાના છે, પણ તમામ વિદેશી રાજદુતોને પણ નિમંત્રણ આપવામાં આવનાર છે.

યુનેસ્કો દ્વારા કુંભ મેળાનોે વિશ્વના  સાંસ્કૃતિક ધરોહરમાં સમાવેશ કરાયા પછી રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાગ કુંભની દિવ્યતા-ભવ્યતાને માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્વભરમાં પ્રસરાવવાના ભાગરૂપે તડામાર તૈયારીઓને આગળ ધપાવાઇ રહી છે ત્યારે વિદેશી મહેમાનો માટે અલ્હાબાદથી વારાણસી વચ્ચે શતાબ્દી સ્તરની બે ટ્રેન પણ દોડાવાશે...આવતા વર્ષે યોજાનાર કુંભ મેળાનું ક્ષેત્રફળ સૌથી વધારે એટલે કે ૨૫૦૦ હેકટર હશે.જેમાં ૨૦ સેકટરનો સમાવેશ થવાનો છે.

એવું પણ કહેવાય છે કે, કુંભ મેળામાં સૌ પ્રથમ વાર પાંચ હજાર ધાર્મિક અને સામાજીક સંગઠન કેમ્પ પણ લગાડાશે, ૨૦૧૯ના કુંભ મેળાનો લાભ લેવા માટે અંદાજે ૨૦ લાખ એનઆઇઆર આવે એવી પણ સંભાવના વ્યકત થઇ રહી છે...સરકાર દ્વારા વારાણસીમાં ૨૪ જાન્યુઆરીએ આવનાર ૧૫માં પ્રવાસી ભારતીય દિવસ પછી ત્યાંથી જ ૫૦૦૦ એનઆરઆઇને સીધા જ કુંભ મેળામાં લઇ જવા માટેની વ્યવસ્થારૂપે વિશેષ ટ્રેન પણ દોડાવવામાં આવનાર છે...દર વખતે કુંભ મેળા દિવ્યતા-ભવ્યતા સાથે જ યોજાતા રહયા છે, પણ આગામી મેળાને ખરાઅર્થમાં ઘણી બાબતોએ અલગ-અનોખો બનાવવા સાથે જ વિશાળ કુંભ પર્વને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આધ્યાત્મિકત અને સાંસ્કૃતિક મહત્વને વધુને વધુ વિસ્તારવા માટે સરકાર તડામાર તૈયારીઓમાં જોરશોરથી આગળ વધવા લાગી છે.

'દિવ્ય કુંભ,ભવ્ય કુંભ'ની થીમ...

દરેક સેકટરમાં ૧૦૦૦થી ૨૦૦૦ બેડ ધરાવતા રેનબસેરા

લખનઉઃ અલ્હાબાદ ખાતે ગંગા-યમુના અને સરસ્વતી નદીઓના પાવન ત્રિવેણી સંગમ સ્થિત બિરાજમાન પ્રગાયરાજ ખાતે પ્રાચીન સમયથી જ યોજાનાર કુંભ પવ થકી વિશ્વભરમાં આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મહત્વને વધુને વધુ પ્રસરાવવાના ભાગરૂપે ૨૦૧૯માં 'દિવ્ય કુંભ,ભવ્ય કુંભ' થીમ ઉપર તડામાર તૈયારીઓ આગળ ધપી રહી છે.

કહેવાય છે કે, રાજય સરકારના બ્લુપ્રિન્ટ મુજબ કુંભ મેળા દરમિયાન છ પવિત્ર સ્થાનો પૈકી એક ગણાતા  મૌની અમાસના દિવસે  અંદાજે ત્રણ કરોડ શ્રધ્ધાળુઓ ઇસ્લામાબાદ ખાતે ઉમટી પડવાની ધારણા છે.

અત્રે નોંધનીય છે કે, છ વર્ષ પહેલા યોજાયેલા કુંભ મેળામાં ૩૫૦૦ ધાર્મિક અને સામાજીક સંગઠનોના કેમ્પ લગાડાયા હતા.

(4:55 pm IST)